વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાનો એક ભાગ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બધુ બરાબર છે એવા દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે પંજાબ કોંગ્રેસની અંદર આમ આદમી પાર્ટીનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થિતિ એવી છે કે આમ આદમી પાર્ટીથી અંતર રાખવા માટે પંજાબ કોંગ્રેસના નેતાઓ હાઈકમાન્ડ પર દબાણ લાવવા દિલ્હી પહોંચી રહ્યા છે. જાેકે, આવા વિરોધ વચ્ચે આમ આદમી પાર્ટીને દિલ્હી અધ્યાદેશ પર કોંગ્રેસના અમુક નેતાઓનું સમર્થન પણ મળી રહ્યું છે. હવે નવજાેત સિંહ સિદ્ધુએ પણ કેજરીવાલને સમર્થન આપવાની વાત કરી છે.
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે આમ આદમી પાર્ટીને દિલ્હી વટહુકમ પર કોંગ્રેસની સૌથી વધુ જરૂર છે. જાે કે, જરૂરિયાત મુજબ કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહી છે. હવે નવજાેત સિંહ સિદ્ધુએ પણ દિલ્હી અધ્યાદેશ પર અરવિંદ કેજરીવાલનું સમર્થન કર્યું છે. સિદ્ધુએ રવિવારે કહ્યું હતું કે, ‘આ દેશની લોકતાંત્રિક શક્તિને રાજ્યપાલ અને એલજીની ગુલામીમાં ન રાખી શકાય. એલજી કોઈપણ ચૂંટાયેલી સરકારને સૂચના આપી શકે નહીં. નોંધનીય છે કે બેંગલુરુ બેઠક પહેલા પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થઈ હતી. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર દિલ્હી વટહુકમને સમર્થન આપવા માટે ભારે દબાણ કર્યું હતું.
આખરે કાૅંગ્રેસ ઢીલી પડી હતી અને દિલ્હી વટહુકમને સમર્થન આપવા માટે તૈયાર થઇ હતી. આમ આદમી પાર્ટીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જાે કોંગ્રેસ સમર્થન નહીં આપે તો પાર્ટી બેંગલુરુની બેઠકમાં ભાગ નહીં લે. જાેકે, બાદમાં બંને વચ્ચે સમજૂતી થઈ હતી અને આપે બેંગલુરુ બેઠકમાં ભાગ લીધો હતો. જાેકે, કાૅંગ્રેસ-આપની કિટ્ટા-બુચ્ચા જેવી રમત કેટલી ચાલશે એ તો સમય જ કહેશે.