સુરત મહાનગર પાલિકામાં રખડતા ઢોર મુદ્દે જાગૃત નાગરિક દ્વારા ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. પરંતું પશુપાલકોનાં મળતીયાઓ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ પશુપાલકોને આપી દેતા હવે ફરિયાદ કરનાર વ્યક્તિઓમાં ભય વ્યાપી જવા પામ્યો છે. કુમાર કાનાણી દ્વારા આવા અધિકારી-કર્મચારીઓ સામે કડક પગલા ભરવાની માંગ કરી છે.
સુરતના વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા મનપા કમિશ્નરને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વરાછાનાં ધરમનગર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની અંદર ઢોર રખડતા હતા. જે બાબતે જાગૃત નાગરિક દ્વારા સુરત મહાનગર પાલિકામાં ઓનલાઈન ફરિયાદ કરી હતી. પરંતું કોર્પોરેશનનાં અધિકારી દ્વારા આ ફરિયાદીનું નામ પશુપાલકોને આપી દેતા માથાભારે પશુપાલકોએ ફરિયાદીનું નામ અને ફોટો લઈ ફરિયાદીને શોધવા આંટાફેરા મારી રહ્યા છે. અને લોકોને ફોટો બતાવીને પૂછી રહ્યા છે. જેથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે.
સુરત મહાનગરપાલિકામાં જાગૃત નાગરિક ફરિયાદ કરે તો આ ફરિયાદીનું નામ અધિકારીઓ દ્વારા આપી દેવામાં આવે તે ખૂબ જ ગંભીર બાબત છે. આ જાગૃત નાગરિકની સાથે મારામારી થાય. તેમજ માથાભારે લોકો તેમની સાથે ગમે તે વર્તન કરે. ફરિયાદીને કંઈ થશે તો જવાબદારી કોની? આ બાબતે સંપૂર્ણ તપાસ થવી જાેઈએ તેમજ ફરિયાદીનાં નામ આપનાર અધિકારી સામે કડક કાર્યવાહી થવી જાેઈએ એવી મારી માંગ છે. અને ફરિયાદીને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાનાં વહીવટ તંત્રની રહેશે. જેની નોંધ લેવી.