boards of directors : છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મહિલાઓની સંખ્યામાં ધીમે ધીમે વધારો થયો છે. ડેલોઇટે શુક્રવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2023માં કંપનીના બોર્ડમાં તેમનો હિસ્સો 18.3 ટકા હતો. ‘વુમન ઓન બોર્ડ્સ ઓફ ડિરેક્ટર્સઃ અ ગ્લોબલ પર્સપેક્ટિવ’ શીર્ષક હેઠળના અહેવાલમાં, જોકે, આ આંકડો વૈશ્વિક સરેરાશ 23.3 ટકા કરતાં ઓછો હોવાનું જણાવ્યું હતું. ડેલોઇટે તેના અહેવાલ માટે 50 દેશોની 18,000 થી વધુ કંપનીઓનું વિશ્લેષણ કર્યું. જેમાં ભારતની 400 કંપનીઓ સામેલ છે.
ડેલોઇટ સાઉથ એશિયાના ચેરપર્સન શેફાલી ગોરાડિયાએ જણાવ્યું હતું કે, “બોર્ડની વિવિધતામાં પરિવર્તનની જરૂર છે.” ઘણી કંપનીઓ CEO અથવા CFO અનુભવ ધરાવતા લોકોને બોર્ડમાં લાવવાનું વિચારી રહી હોવાથી, આ આંકડા ભવિષ્ય માટે આશાવાદી દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરતા નથી. ભારતીય કંપનીઓએ ઐતિહાસિક વલણોને તોડવું જોઈએ અને ભૂતકાળની ભૂમિકાઓ કરતાં ક્ષમતાઓને પ્રાથમિકતા આપવી જોઈએ.”
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે જાહેર કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ઉદ્યોગના બોર્ડમાં મહિલાઓની ભાગીદારી ધીમે ધીમે વધી રહી છે. વર્ષ 2023માં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 18.3 ટકા મહિલાઓ હતી, જ્યારે 2018માં આ આંકડો 13.8 ટકા અને 2021માં 17.1 ટકા હતો.