આજે ગુજરાત સહિત દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવાતો આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને પવિત્ર સંબંધને વધુ ગાઢ બનાવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈની દરેક રીતે રક્ષા થાય તેવા આશીર્વાદ આપે છે, તો ભાઈ પણ પોતાની બહેનને રક્ષાનું વચન આપે છે. ત્યારે આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર અમદાવાદના જગન્નાથ મંદિરમાં કોમી એકતાના દર્શન થયા છે.
અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. આજે સવારે મુસ્લિમ બહેનો જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચી હતી. ત્યાર બાદ મુસ્લિમ બહેનોએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને પરંપરા મુજબ તિલક કરીને રાખડી બાંધી હતી અને મીઠાઈ પણ ખવડાઈ હતી. ફક્ત એટલું જ નહીં આ બહેનોએ મહંત દિલીપદાસજી માટે જાતે તરંગા અને ભગાવાન જગન્નાથજીની પ્રતિકૃતિવાળી રાખડી બનાવી હતી. સાથે કોમી એકતાનો સંદેશ આપ્યો હતો.
આ તકે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું હતું કે, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એ ભાઈ-બહેનનો એક અનોખો તહેવાર છે. ત્યારે મુસ્લિમ સમાજ પણ એકતા અને બંધુત્વની ભાવના સાથે જગન્નાથજી મંદિર સાથે જાેડાયેલો છે.
અનેક તહેવારોમાં તેમનો સાથ અને સહકાર મંદિર સાથે રહેલો છે. ત્યારે આજે રક્ષાબંધનના તહેવાર પર મુસ્લિમ બહેનોએ આવીને રાખડી બાંધી છે અને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી છે
