વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન વડા પ્રધાને કહ્યું કે આપણે દરેક જિલ્લાના સ્તરને ઉપર લાવવું જાેઇએ. આ માટે ૫ વર્ષનું લક્ષ્ય નક્કી કરો. તેમણે કહ્યું કે વર્ષમાં ૩ વિષયો નક્કી કરો. તમામ વિભાગો સાથે મળીને કામ કરો. તમે જે પણ કરો છો, તેને જન આંદોલન બનાવીને કરો.
વડા પ્રધાને કહ્યું કે એક વર્ષમાં આપણે ૪-૫ એવી તકો શોધીએ જેમાં સરકારના નેતૃત્વમાં, પંચાયતના નેતૃત્વમાં સમગ્ર જિલ્લાના સામાન્ય લોકો તેમાં જાેડાઈ શકે. પહેલાં ૭૦ હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી, આજે તે ૩ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. અમે ૩૦ હજારથી વધુ નવી જિલ્લા પંચાયતની ઇમારતો બનાવી છે.
વધુમાં, તેમણે કહ્યું કે અમે સંગઠનમાં માનીએ છીએ, અમે મૂલ્યોમાં માનીએ છીએ, અમે સમર્પણમાં માનીએ છીએ અને અમે સામૂહિક જવાબદારી સાથે સામૂહિકતાના મૂલ્યો સાથે આગળ વધીએ છીએ અને અમને મળેલી જવાબદારીને કુશળતા પૂર્વક નિભાવીએ છીએ.
તમને જણાવી દઈએ કે ૧૫ ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડા પ્રધાને વિશ્વકર્મા યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનું પ્રારંભિક બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું અને પીએમ વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. તેઓ ૧૭મી સપ્ટેમ્બરે એક મોટો કાર્યક્રમ યોજીને આ યોજનાને આગળ ધપાવવા જઈ રહ્યા છે. તેનાથી ૩૦ લાખ પરિવારોને ફાયદો થશે.