યુપીના પ્રયાગરાજમાં એક વ્યક્તિએ ડાયલ ૧૧૨ પર ફોન કરીને કોતવાલી પોલીસ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીભર્યા કોલને કારણે પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ અને વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે પોલીસ સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પાણીપૂરી વેચનાર શિવ કુમાર છે. તેણે દારૂના નશામાં ૧૧૨ નંબર ડાયલ કરી દીધો હતો.
૧૫મી ઓગસ્ટ નજીક છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રહે તે માટે પોલીસ સજ્જ છે. આવી સ્થિતિમાં જાે કોઈ ધમકીભર્યો ફોન આવે તો ચોંકી જવું સામાન્ય છે. આવું જ કંઈક પ્રયાગરાજમાં બન્યું હતું જ્યાં ૮ ઓગસ્ટના રોજ રાત્રે ૧૨ઃ૩૦ વાગ્યે એક અજાણી વ્યક્તિએ સીયુજીનંબર (ડાયલ ૧૧૨) પર કોલ કર્યો હતો. તેણે પ્રયાગરાજ પોલીસ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપીને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો.
વ્યક્તિએ ફોન પર ધમકીભર્યા અંદાજમાં કહ્યું- ‘હેલો, થોડી જ વારમાં પોલીસ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ પોલીસકર્મીઓમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ અને સર્વેલન્સ ટીમ ઉતાવળમાં સક્રિય થઈ ગઈ હતી. જ્યારે કોલ કરનારનો મોબાઈલ નંબર ટ્રેસ કરવામાં આવ્યો તો તે શિવ કુમારનો હોવાનું બહાર આવ્યું. શિવ કુમાર કુસુમાઈ બરાઓન (કૌશામ્બી) ના રહેવાસી છે. આ પછી બુધવારે બપોરે તેની ધરપકડ કરવામાં આવી હતી.
ફોન પર ધમકી આપવાના મામલે કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સુમિત શ્રીવાસ્તવે મોબાઈલ નંબરના આધારે આરોપી કોલર શિવ કુમાર વિરુદ્ધ એફઆઈઆરદાખલ કરી છે. ધરપકડ બાદ શિવ કુમાર વારંવાર કહી રહ્યો હતો કે તેણે ભૂલ કરી છે. તેણે નશાની હાલતમાં ફોન કર્યો હતો. હાલ તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.