Meesho India IPO Launch: મોર્ગન સ્ટેનલી, કોટક અને સિટી IPO સલાહકાર તરીકે જોડાયા
Meesho India IPO Launch: ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશો હવે શેરબજારમાં પ્રવેશ માટે તૈયાર છે. કંપનીએ IPO માટે પોતાનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં ગુપ્ત રીતે ફાઇલ કર્યું હોવાનું રોઇટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે.
IPO માધ્યમથી 4,250 કરોડ રૂપિયાના નાણા એકત્ર કરવાની યોજના
મીશો પોતાના IPO દ્વારા અંદાજે $497.30 મિલિયન (રુ. 4,250 કરોડ) એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. સમગ્ર IPOનું કદ આશરે રૂ. 8,500 કરોડ હોવાનું અનુમાન છે. આમાં નવી ઇક્વિટી સાથે સાથે ઓફર ફોર સેલ (OFS) પણ સામેલ છે. ઘણા હાલના રોકાણકારો આ IPOમાં પોતાના શેર વેચી શકે છે.
મનનીકન્ટ્રોલના અહેવાલ મુજબ, IPO સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2025 દરમિયાન લોન્ચ થવાની સંભાવના છે.
મીશોનું મુખ્ય મથક હવે ભારતમાં
IPO માટે મહત્વપૂર્ણ પગલાં તરીકે, મીશોએ તાજેતરમાં પોતાનું મુખ્ય મથક અમેરિકાથી ભારત ખસેડ્યું છે. અગાઉ કંપની મીશો ઇંક તરીકે અમેરિકાના ડેલાવેરમાં નોંધાયેલ હતી, જે હવે ભારતીય યુનિટ સાથે મર્જ થઈ ગઈ છે.
2025ના જૂનમાં NCLT દ્વારા મંજૂરી મળ્યા બાદ મીશોએ તેનું હેડક્વાર્ટર ભારત ખસેડી દીધું હતું. હવે કંપની ભારતીય કંપની તરીકે IPO માટે લિસ્ટિંગની પ્રક્રિયા આગળ ધપાવી રહી છે.
કયા સલાહકારો જોડાયા છે?
મીશોએ IPO માટે મોર્ગન સ્ટેનલી, કોટક મહિન્દ્રા કેપિટલ અને સિટી બેન્કને તેના મેરુ સલાહકાર તરીકે પસંદ કર્યા છે. જેપી મોર્ગન પણ ટીમનો ભાગ બની શકે છે, એવી અટકળ છે.
નાણા ક્યાં વપરાશે?
IPOથી મળેલા નાણાંનો ઉપયોગ મીશો તેના લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેકએન્ડ સિસ્ટમ અપગ્રેડ અને ટાયર 2-3 શહેરોમાં વેચાણ નેટવર્ક મજબૂત કરવા માટે કરશે.