દિવસેને દિવસે રોજીંદી જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવે સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ વધાર્યો છે. તેના ઉપર, કોવિડ સમયગાળાથી, હોસ્પિટલમાં પણ સારવાર મોંઘી થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ સારવાર પાછળનો ખર્ચ બમણા દરે વધ્યો છે. એક તરફ જ્યાં મોંઘવારી દર ૭ ટકાની આસપાસ છે ત્યાં મેડિકલ ફુગાવો ૧૪ ટકાથી વધુના દરે વધી રહ્યો છે.
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૮માં ચેપી રોગોની સારવાર માટે સરેરાશ મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેમ ૨૪,૫૬૯ રૂપિયા હતો, જે ૨૦૨૨માં વધીને ૬૪,૧૩૫ રૂપિયા થઈ ગયો છે. એટલે કે ૫ વર્ષમાં આ રોગની સારવારનો ખર્ચ ૧૬૦ ટકા મોંઘો થઈ ગયો છે. મુંબઈ જેવા મેગાસિટીમાં પાંચ વર્ષમાં આ ખર્ચ રૂ. ૩૦,૦૦૦ થી વધીને રૂ. ૮૦,૦૦૦ થયો છે.
શ્વસન રોગોની સારવાર માટેનો વર્ષ ૨૦૧૮માં સરેરાશ ખર્ચ ૪૮,૪૫૨ રૂપિયા હતો જે વધીને ૨૦૨૨માં ૯૪,૨૪૫ રૂપિયા થઈ ગયો છે, જેનો અર્થ છે કે વાર્ષિક સારવાર ૧૮ ટકાના દરે મોંઘી બની છે. જ્યારે મુંબઈમાં આ ખર્ચ રૂ. ૮૦,૦૦૦ થી વધીને રૂ. ૧.૭૦ લાખ થયો છે.
કોરોના રોગચાળા બાદ, સારવાર પર ખર્ચમાં વધારો થયો છે, ખાસ કરીને રોગની સારવાર સૌથી મોંઘી બની છે. સારવાર માટે વપરાતી સામગ્રી પર પણ ખર્ચ વધ્યો છે.
અગાઉ આ સામગ્રીનો હિસ્સો કુલ બિલમાં ૩ થી ૪ ટકા હતો, જે હવે વધીને ૧૫ ટકા થયો છે. મેડિકલ ફુગાવો અન્ય મોંઘવારી કરતા ઝડપી દરે વધી રહ્યો છે. મોંઘવારી દર ૭ ટકા છે પરંતુ તબીબી ફુગાવો બમણા દરે વધી રહ્યો છે. હેલ્થ ઈન્સ્યોરન્સની માંગ વધવાને કારણે સારવાર પણ મોંઘી થઈ ગઈ છે.
