આંધ્રપ્રદેશમાં જુનો દારૂ નાબૂદ કરીને નવી દારૂની નીતિ લાગુ કરવામાં આવી છે. નવી લિકર પોલિસી લાગુ થયા બાદ હવે પ્રીમિયમ બ્રાન્ડનો દારૂ રાજ્યની દુકાનો પર પણ ઉપલબ્ધ થશે. રાજ્યમાં 16 ઓક્ટોબરથી નવી લિકર પોલિસી લાગુ થયા બાદ હવે ડિયાજિયો સહિત અનેક મોટી અને પ્રીમિયમ લિકર કંપનીઓની પ્રીમિયમ ઇન્ટરનેશનલ વ્હિસ્કી બ્રાન્ડ્સ દુકાનોમાં દેખાવા લાગી છે. નવી દારૂની નીતિને ધ્યાનમાં રાખીને, એક નવું ‘કમ્પ્યુટર આધારિત મોડલ’ રિટેલ આઉટલેટ્સ પર મોકલવામાં આવતી બ્રાન્ડ્સ નક્કી કરશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ મોડલ બજારની માંગ સાથે સંબંધિત ડેટા એકત્રિત કરશે અને તે મુજબ પુરવઠો કરવામાં આવશે.
અધિકારીએ કહ્યું, “આ માંગ અને પુરવઠાના આધારે નક્કી કરવામાં આવશે. ડિયાજિયો ઉપરાંત, પેર્નો રિકાર્ડ અને વિલિયમ ગ્રાન્ટ એન્ડ સન્સ સહિત ઘણા જાણીતા ઉત્પાદકોની બ્રાન્ડ, જે મોટાભાગે 2019-2024 દરમિયાન ઉપલબ્ધ ન હતી, તે પણ હવે સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે, જે બ્રાન્ડ વધુ વેચશે, તે વધુ ખરીદવામાં આવશે જોકે, દરેક રજિસ્ટર્ડ લિકર બ્રાન્ડને તેના ઉત્પાદનો વેચવાની તક આપવામાં આવશે.
જૂની દારૂની નીતિ નાબૂદ કર્યા બાદ એન. ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારે નવી દારૂ નીતિ લાગુ કરી છે. મોડલ અંગે વિગત આપતા અધિકારીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં દારૂની બ્રાન્ડને બજારમાં 10,000 કેસ સપ્લાય કરવાની મંજૂરી આપવામાં આવશે, ત્યારબાદ માર્કેટ સંચાલિત મોડલ લાગુ કરવામાં આવશે. છેલ્લા ત્રણ મહિનામાં દારૂના વેચાણના આધારે, બ્રાન્ડ્સને તે જથ્થાના 150 ટકા વેચાણની મંજૂરી આપવામાં આવશે.
અધિકારીએ કહ્યું કે નવી દારૂની નીતિના અમલ સાથે, તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય દારૂની બ્રાન્ડ્સ આંધ્ર પ્રદેશમાં આવવા લાગી છે. રાજ્યની જૂની YSRCP સરકારને લોકપ્રિય દારૂની બ્રાન્ડની ઉપલબ્ધતા અને તેની ઊંચી કિંમતના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. આબકારી મંત્રી કે. રવિન્દ્રએ જણાવ્યું હતું કે 2019 અને 2024 ની વચ્ચે, ગ્રાહકોને તેમની પસંદગીની બ્રાન્ડ્સ પસંદ કરવાના વિકલ્પથી ‘વંચિત’ કરવામાં આવ્યા હતા અને માત્ર ઉપલબ્ધ બ્રાન્ડ્સ ખરીદવા માટે ‘મજબૂર’ કરવામાં આવ્યા હતા.