યંગસ્ટર ઠાઠમાઠથી તૈયાર થઇને સમીસાંજે સરખેજ, સિંધુભવન રોડ, એસજી હાઇવે સહિતની જગ્યાઓ પર રોલો મારવા માટે નીકળી પડતાં શહેરની તાસીર અચાનક બદલાઇ જાય છે. બેફામ વાહન ચલાવીને સ્ટંટ કરવા, જાેર જાેરથી સાઉન્ડ વગાડીને કાર ચલાવવી આજે નબીરાઓના શોખ થઇ ગયા છે. ત્યારે સરખેજમાં રોફ જમાવવો યુવકોને ભારે પડ્યો છે. રોલા મારતા વસ્ત્રાલના બે યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે.
મોડી રાતે પોલીસ ચેકિંગ કરતી હતી ત્યારે કાર પર એમએલએનું બોર્ડ લગાવીને ફરતા યુવકને સરખેજ પોલીસે ઝડપી પાડ્યો હતો સરખેજ પોલીસ મોડી રાતે બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે એમએલએ બોર્ડવાળી એક કાર પુરઝડપે આવી રહી હતી. પોલીસે કારચાલકને રોકીને તેની ધરપકડ કરી લીધી હતી. યુવકનું નામ ક્રિશ પટેલ છે. જેનો કોઇ સંબંધી પણ એમએલએ નથી. ક્રિશની ધરપકડ કરી ત્યારે તેણે અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખભાઇ પટેલ સંબંધી હોવાનું કહીને પોલીસને ખોટું બોલ્યો હતો.
ગ્રૂપમાં સિનસપાટા મારવા માટે ક્રિશે પોતાની કારમાં એમએલએનું બોર્ડ લગાવ્યું હતું. જે સાથે સવાર વિશ્વ પટેલ પણ હતો જેની પણ પોલીસે ધરપકડ કરી છે. રોડને પોતાના બાપની જાગીર સમજીને પુરઝડપે જેગુઆર ચલાવીને નવ લોકોના ભોગ લેનાર તથ્ય પટેલ હાલ જેલમાં બંધ છે.
હવે કોઇ શહેરમાં બીજાે કોઇ તથ્ય પટેલ પેદા થાય નહીં અને નબીરાની શાન ઠેકાણે આવે તે માટે પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે. મોડી રાતે શહેરના પોશ વિસ્તારો તેમજ વિવિધ વિસ્તારોને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવે છે. પોલીસ એટલી કડક થઇ ગઇ છે જાહેર રોડ પર જાે પુરઝડપે વાહનો લઇને નીકળ્યા તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. આખી રાત યંગસ્ટર કાફે, રેસ્ટોરાંમાં ગપાટા મારવા બેસતા હોય છે અને જ્યારે તેઓ નીકળે ત્યારે પુરઝડપે વાહનો હંકારતા હોય છે.
તથ્ય પટેલે ઇસ્કોનબ્રિજ પર અકસ્માત સર્જ્યો ત્યારે તે તેના મિત્રો સાથે કાફેમાંથી આવી રહ્યો હતો જ્યારે તેણે સિંધુભવન રોડ પર થારને કાફેની દીવાલમાં ઘુસાડી દીધી ત્યારે પણ તે ત્યાં જ જતો હતો. કાફેની આડમાં ડ્રગ્સની પાર્ટીઓ ચોરી છુપે થાય છે ત્યારે દારૂ પાર્ટી પણ થતી હોય છે. આવી સ્થિતિમાં યંગસ્ટરોને પોલીસનો ડર રહે તે માટે ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું.