એલોન મસ્કની X ને ભારતીય કાયદાઓ સામે પડકારનો જવાબ: કર્ણાટક હાઈકોર્ટનો દૃઢ ચુકાદો
એલોન મસ્કની માલિકીની સોશિયલ મીડિયા કંપની X (અગાઉનું ટ્વિટર)ને કર્ણાટક હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ભારત સરકારના ટેકડાઉન આદેશોને પડકારતી Xની અરજી 24 સપ્ટેમ્બર, 2025ના રોજ કોર્ટે ફગાવી દીધી. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે જો કોઈ પણ કંપની ભારતમાં કામ કરવા માંગે છે, તો તેને ભારતીય કાયદાઓનું પાલન કરવું ફરજિયાત છે.
વિશિષ્ટ મામલે, કેન્દ્ર સરકારે કેટલાક એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો, જે હેઠળ રાજ્યની સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવવાનું કારણ આપ્યું હતું. X એ આ આદેશો સામે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમનું પ્લેટફોર્મ યુએસના કાયદા હેઠળ કાર્યરત છે અને તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળેલી છે, તેથી તેઓ ભારત સરકારના આદેશોનું પાલન કરવા માટે બાધ્ય નથી.
પરંતુ કેન્દ્ર સરકારે પોતાના વકીલના માધ્યમથી સ્પષ્ટ કર્યો કે ભારતીય બંધારણની કલમ 19(2) માત્ર ભારતીય નાગરિકોને જ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. વિદેશી કંપનીઓને એ અધિકાર મળતો નથી. સરકારએ વધુમાં કહ્યું કે, કોઈ પણ પ્લેટફોર્મ જો ભારતના માર્કેટમાં પ્રવેશ મેળવવું હોય, તો તેને અહીંના કાયદા અને નિયમોનું પાલન કરવું જ પડશે.
ચુકાદો આપતી વખતે ન્યાયાધીશ એમ. નાગપ્રસન્નાની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું કે ટેકનોલોજીની સાથે સાથે નિયંત્રણો પણ જરૂરી છે. માહિતી અને સંદેશાવ્યવહારને સંપૂર્ણપણે મુક્ત છોડી દેવા માટે કોઈ દેશ તૈયાર નથી. કોરોના પછીના યુગમાં સોશિયલ મીડિયા લોકપ્રિય અને શક્તિશાળી બન્યું છે, પરંતુ તેની ઉપર નિયંત્રણ ન હોય તો સામાજિક અસંતુલન ઊભું થઈ શકે છે.
કોર્ટે વધુમાં કહ્યું કે ભારતીય બજાર કોઈ પણ વિદેશી કંપની માટે ‘રમતનું મેદાન’ નથી. દરેક પ્લેટફોર્મને અહીંના કાયદાઓનું પાલન કરવું જ પડશે અને તે અરાજક સ્વતંત્રતા નહીં માણી શકે.