સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે અને લોકસભામાં મહિલા અનામત એટલે કે નારી શક્તિ વંદન એક્ટ અંગે ચર્ચા ચાલી રહી છે. હાલમાં નવી સંસદમાં મહિલા અનામત બિલ પર ચર્ચા ચાલી રહી છે અને આશા છે કે આ બિલ પણ પસાર થઈ જશે.
એક તરફ મહિલાઓ માટે અનામતની વાતો થાય છે તો બીજી તરફ દેશના મોટાભાગના રાજ્યોમાં એક મહિલા મુખ્યમંત્રી પણ નથી. આવો જાણીએ આઝાદી પછી દેશમાં કેટલી મહિલાઓ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમંત્રી બની છે.
મહિલા રાષ્ટ્રપતિ : જાે આપણે મહિલા રાષ્ટ્રપતિ બનવાની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી માત્ર બે જ મહિલાઓ આ પદ માટે ચૂંટાઈ છે. દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંહ પાટીલ હતા, જેમણે ૨૫ જુલાઈ ૨૦૦૭ થી ૨૫ જુલાઈ ૨૦૧૨ સુધી આ પદ સંભાળ્યું હતું. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ હતા. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્તમાન એનડીએ સરકાર દરમિયાન દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બન્યા હતા. રાષ્ટ્રપતિ બનનાર તેઓ પ્રથમ આદિવાસી મહિલા છે.
મહિલા પ્રધાનમંત્રી : જાે આપણે મહિલા પ્રધાનમંત્રીની વાત કરીએ તો દેશના એકમાત્ર મહિલા પીએમ ઈન્દિરા ગાંધી હતા. તે ભારતના ત્રીજા પ્રધાનમંત્રી હતા, જેમણે ૧૯૬૬ થી ૧૯૭૭ સુધી સતત ત્રણ વખત આ પદ સંભાળ્યું હતું. આ પછી તેણે ૧૯૮૦ થી ૧૯૮૪ સુધી ચોથી વખત આવ્યા. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી.
મહિલા મુખ્યમંત્રી : આ સિવાય જાે આપણે મહિલા મુખ્યમંત્રીઓની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં ૧૬ મહિલા મુખ્યમંત્રી બની ચૂકી છે. કોંગ્રેસના શાસનમાં દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચેતા કૃપાલાની હતા. જેમણે ૨ ઓક્ટોબર ૧૯૬૩ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પછી કોંગ્રેસના શાસનમાં શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા, જેમણે ૧૫ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. આ પછી એઆઈએડીએમકેના જે. જયલલિતા તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ એવા લોકોમાં સામેલ છે જેમનો કાર્યકાળ લાંબો ચાલ્યો.
દેશના મહિલા મુખ્યમંત્રીઓની યાદી : સુચેતા કૃપાલાની- ઉત્તર પ્રદેશ, નંદિની સતપથી- ઓડિશા, શશિકલા કાકોડકર- ગોવા, અનવરા તૈમૂર- આસામ, વીએન જાનકી રામચંદ્રન- તમિલનાડુ, જે જયલલિતા- તમિલનાડુ, માયાવતી- ઉત્તર પ્રદેશ, રાજીન્દર કૌર ભટ્ટલ- પંજાબ, રાબરી દેવી- બિહાર, સુષ્મા સ્વરાજ- દિલ્હી, શીલા દીક્ષિત- દિલ્હી, ઉમા ભારતી- મધ્યપ્રદેશ, વસુંધરા રાજે- રાજસ્થાન, મમતા બેનર્જી- પશ્ચિમ બંગાળ, આનંદીબેન પટેલ- ગુજરાત, મહેબૂબા મુફ્તી- જમ્મુ અને કાશ્મીર.