ઇઝરાયલે ગાઝા પટ્ટી પર મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરુ કરી છે. ઇઝરાયેલની સેના ટેંક સાથે ઉત્તરી ગાઝામાં ઘુસી ગઈ છે. ઈઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝામાં રહેતા નાગરિકો ૨૪ કલાકમાં સમગ્ર વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબલ્યુએચઓ) ના વડાએ ઈઝરાયલની આ ચેતવણી અંગે કહ્યું કે, ‘આ શક્ય નહીં બને કારણ કે હોસ્પિટલમાં એવા ઘણા ઘાયલ છે, જેમને કોઈ પણ રીતે હટાવવું તેમના જીવ લેવા જેવું હશે.’
ગાઝામાં કામ કરતા યુનાઈટેડ નેશન્સ(યુએન)ના અધિકારીઓનું કહેવું છે કે ઉત્તરી ગાઝામાં લગભગ ૧૧ લાખ લોકો રહે છે અને તેમને ૨૪ કલાકમાં ત્યાંથી બહાર કાઢવું શક્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે હોસ્પિટલમાં દાખલ લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. આવી સ્થિતિમાં, આ લોકોને અહીંથી બહાર કાઢવાનો અર્થ તેમની હત્યા કરવા જેવો થશે.
ઈઝરાયેલી સેનાની ચેતવણી બાદ ઉત્તર ગાઝામાં રહેતા લોકોએ દક્ષિણ ગાઝા તરફ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે. યુએનએ કહ્યું કે ઈઝરાયેલની ચેતવણી વચ્ચે લગભગ ૪ લાખ લોકો દક્ષિણ ગાઝા તરફ પલાયન કરી ગયા છે. ઈઝરાયેલની સેનાએ ટેન્ક મારફતે ઉત્તર ગાઝામાં પ્રવેશ કર્યો છે અને માનવામાં આવે છે કે સેના ગમે ત્યારે અહીં હુમલો કરવાનું શરૂ કરી દેશે