દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી કામાખ્યા જતી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ દુર્ઘટના થયા બાદ તપાસ શરૂ થઈ ચૂકી છે.
રેલવે બોર્ડે દુર્ઘટનાના તાત્કાલિક બાદ હાઈ લેવલની તપાસના આદેશ કર્યા હતા. તપાસ દરમિયાન રેલવેના પાટા અનેક જગ્યાએ તૂટી આવેલાં મળ્યા હતા. પાટા સાથે છેડછાડ કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
આ મામલે અધિકારીઓ અત્યાર સુધી કોઈપણ ટિપ્પણી કરતાં બચી રહ્યા છે. પણ શું આ દુર્ઘટનાનું કારણ કોઈ ટેક્નિકલ ખામી હતી? કે પાટા પર અવરોધ હતો કે ટ્રેન પસાર થાય તે પહેલાં જ પાટા તૂટેલાં હતા એ તમામ પોઈન્ટ પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
અત્યાર સુધીની તપાસમાં એ જાણવા મળ્યું કે બક્સરથી નીકળ્યાં બાદ નવ મિનિટમાં જ નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઇ હતી. જે સમયે દુર્ઘટના સર્જાઈ તે સમયે ટ્રેનની ઝડપ ૧૧૦ થી ૧૨૦ કિ.મી. પ્રતિકલાક હતી. એટલા માટે જ એક બે સિવાય લગભગ ૨૧ જેટલાં ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. સદભાગ્યે કોઈ બીજી ટ્રેનનો ત્યાંથી પસાર થવાનો સમય નહોતો નહીંતર ફરી મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હોત.