Internet Service
વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઈઝેશન એસેમ્બલી (WTSA)ની બેઠક 15 ઓક્ટોબરથી રાજધાની દિલ્હીમાં શરૂ થશે. જેમાં 24 ઓક્ટોબર સુધી 190 દેશોના પ્રતિનિધિઓ 6G, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વગેરે વિશે ચર્ચા કરશે. ભારતમાં પહેલીવાર આ પ્રકારની ઇવેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે, જ્યારે આટલા બધા દેશોના પ્રતિનિધિઓ એકસાથે મહત્વપૂર્ણ ટેક્નોલોજી પર વિચાર કરશે. એશિયામાં આ પહેલા ક્યારેય બન્યું નથી. આજના સમયમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટની માંગ છે. લોકો શક્ય તેટલી ઝડપી ગતિ ઈચ્છે છે. હાલમાં ભારતમાં 4G અને 5G ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. હવે ભારત ઝડપથી 6G ઇન્ટરનેટ સેવા તરફ આગળ વધી રહ્યું છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ અનુસાર, ભારત શક્ય તેટલી વહેલી તકે 6G હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માંગે છે. વૈશ્વિક પેટન્ટ ફાઇલિંગમાં ભારતે ટોચના 6 દેશોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આ એક વિશેષ સિદ્ધિ છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ટેકનોલોજીના સંદર્ભમાં ભારત કેટલું આગળ વધ્યું છે. ભારતમાં એવી ઘણી કંપનીઓ છે જેણે હવે 5G ઇન્ટરનેટ સેવા શરૂ કરી છે.
ઘણી કંપનીઓ હાલમાં ફક્ત 4G સેવા આપી રહી છે, જે ટૂંક સમયમાં 5G ઇન્ટરનેટ સેવા શરૂ કરવા જઈ રહી છે. પરંતુ ભારતમાં હજુ સુધી 6G ઈન્ટરનેટ સેવા શરૂ થઈ નથી. WTSA કોન્ફરન્સનું આયોજન દિલ્હીમાં ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU)ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. તે સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી છે. જેનો હેતુ માહિતી અને સંચાર ટેકનોલોજીના વિકાસ અને ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
આ વખતે WTSA કોન્ફરન્સમાં ભાગ લેનારા દેશો 6G હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા અને અન્ય મહત્વપૂર્ણ ધોરણો પર ચર્ચા કરશે. 6G એ ભાવિ પેઢીની મોબાઇલ નેટવર્ક ટેકનોલોજી છે. એવું માનવામાં આવે છે કે તે 5G કરતા અનેકગણું ઝડપી અને વધુ સુરક્ષિત હશે. 6G સાથે કામ કરવાની રીત ખૂબ જ સરળ બની જશે. આ કોન્ફરન્સ ભારત માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેને અન્ય વૈશ્વિક દેશોનું સમર્થન મળશે. ભારતને અન્ય દેશોની સાથે તેના ટેકનિકલ ધોરણો વિકસાવવાની તક મળશે.
