GST અને મજબૂત માંગથી ભારતને મળ્યો ડબલ ફાયદો, વૃદ્ધિ દર ઊંચો
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે ભારત માટે સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. World Bankએ પોતાની નવીનતમ રિપોર્ટમાં ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ વધારી દીધો છે. જ્યાં વિશ્વની ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ મંદી અને મોંઘવારીના દબાણ હેઠળ છે, ત્યાં ભારતની મજબૂત ગતિ તેને અલગ ઓળખ આપી રહી છે.
વિશ્વ બેંકના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતની GDP વૃદ્ધિ દર 6.6 ટકા રહેશે, જે અગાઉના 6.5 ટકા કરતાં થોડો વધુ છે. જ્યારે નાણાકીય વર્ષ 2025-26 માટે વૃદ્ધિ દર 7.6 ટકા રહેવાનો અંદાજ છે, જે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી ગણાય છે. મજબૂત ઘરેલું માંગ અને નિકાસ ક્ષેત્રની સ્થિરતા આ વૃદ્ધિના મુખ્ય આધાર બની રહ્યા છે.
તાજેતરમાં GSTમાં કરાયેલા ઘટાડાથી વપરાશમાં વધારો થયો છે, જેના કારણે બજારમાં માંગ મજબૂત બની છે. સાથે જ મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે થયેલા તાત્કાલિક સીઝફાયરથી વૈશ્વિક બજારોમાં થોડી રાહત જોવા મળી છે. આ પરિસ્થિતિમાં કાચા તેલના ભાવ ઘટવાની શક્યતા ઊભી થાય છે, જે ભારત જેવા આયાત આધારિત દેશ માટે લાભદાયી બની શકે છે.
તે છતાં કેટલીક ચિંતાઓ યથાવત છે. ઊર્જાના વધતા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા આગળ જઈને વિકાસદર પર અસર કરી શકે છે. ઘરેલુ ખર્ચ ક્ષમતા પર દબાણ અને સબસિડીનો વધતો બોજ સરકારના ખર્ચને પણ મર્યાદિત કરી શકે છે.
અન્ય વૈશ્વિક એજન્સીઓ સાથે તુલનામાં ભારતનું પ્રદર્શન વધુ મજબૂત દેખાય છે. Moody’sએ 6 ટકા અને OECDએ 6.1 ટકા વૃદ્ધિનો અંદાજ આપ્યો છે, જ્યારે Reserve Bank of Indiaનો અંદાજ 6.9 ટકા છે. આ તમામ અંદાજોમાં વિશ્વ બેંકનો 6.6 ટકા આંકડો દર્શાવે છે કે ભારત આવનારા સમયમાં પણ વૈશ્વિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું રહેશે.
