ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩ની મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ૧૦૦ રનથી હરાવ્યું હતું. આ સાથે જ ભારત તેની છટ્ઠી મેચ જીતી પોઈન્ટ્સ ટેબલ પર ટોપ પર પહોંચી ગયું છે. ભારતની આ જીતમાં ફાસ્ટ બોલરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જસપ્રીત બુમરાહે ૩ જયારે મોહમ્મદ શમીએ ૪ વિકેટ ઝડપી હતી. આ સાથે જ શમી વનડે વર્લ્ડ કપના ઈતિહાસમાં બેસ્ટ બોલર બની ગયો છે.
મોહમ્મદ શમીએ ઇંગ્લેન્ડ સામે ૭ ઓવરમાં ૨૨ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન શમીએ તેની પહેલી અને ત્રીજી ઓવરમાં સતત ૧૩ ડોટ બોલ ફેંકી ૨ વિકેટ પણ ઝડપી હતી. તેણે પહેલા સ્ટોક્સને અને પછી બેયરસ્ટોને બોલ્ડ કર્યો હતો. શમીએ તેની ૭ ઓવરમાં ૫.૩ ઓવર ડોટ ફેંકી હતી. મોહમ્મદ શમીની આ વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩માં બીજી મેચ હતી. તેણે ૨ મેચમાં કુલ ૯ વિકેટ ઝડપી છે. શમીએ આ ૯ વિકેટ સાથે વન-ડે વર્લ્ડ કપમાં કુલ ૩૯ વિકેટ ઝડપી છે. શમીએ વર્લ્ડ કપમાં અત્યાર સુધી કુલ ૧૩ મેચ રમી છે. આ ૧૩ મેચમાં જ તે વર્લ્ડ કપ ઈતિહાસનો બેસ્ટ બોલર બની ગયો છે. વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી ૨૦ વિકેટ લેનાર બોલરોમાં શમીની એવરેજ ૧૪.૦૭ અને સ્ટ્રાઈક રેટ ૧૬.૯૭ની છે. વર્લ્ડ કપ ઈતિહાસમાં આ કોઈપણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.