લોક અદાલત એટલે લોકોની અદાલત, “ના કોઈનો વિજય, ના કોઈનો પરાજય’’. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. ૯ સપ્ટેમ્બર ૨૦૨૩ને શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ શ્રીમતી સુનિતા અગરવાલ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ શ્રી એન. વી. અંજારિયા દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આ લોક અદાલતમાં રાજ્યના કોઈ પણ જિલ્લા, તાલુકા, ટ્રિબ્યુનલ કે હાઇકોર્ટમાં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માતના વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરતને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાય છે. આ અવસરનો લાભ લેવા નજીકની તાલુકા કે જિલ્લા કે હાઈકોર્ટમાં કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસનો સંપર્ક કરવો. અથવા ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરવો અથવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની વેબ સાઇટ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે.
