બિહારના પટનામાં પ્રસાસનની ઘોર બેદરકારી સામે આવી છે. આજે મુખ્યમંત્રી નીતીશ કુમારનો કાફલો નીકળવાનો હતો જેને કારણે રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. જેમાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો હતો. નીતીશ કુમારના કાફલાના કારણે મોત સામે લડી રહેલા માસૂમ બાળકની એમ્બ્યુલન્સ લગભગ એક કલાક સુધી ઉભી રખાય હતી. માસુમ બાળકના પરિવારજનોએ આજીજી કરી કે બાળક બેભાન છે અને જાે તેને સમયસર સારવાર નહીં મળે તો તેનું મોત થશે. પરંતુ, પોલીસકર્મીઓએ તેમની વાત ન સાંભળી અને એમ્બ્યુલન્સને રોકી દીધી.
માસૂમ બાળકના પરિવારજનોનું કહેવું છે કે તેઓ બાળકોને ફતુહાની ખાનગી હોસ્પિટલમાંથી પટનાની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે મુખ્યમંત્રીના કાફલાને રસ્તો આપવા માટે તમામ વાહનોને રોકી દીધા. આ ઘટના પટનાના ફતુહા પોલીસ સ્ટેશન વિસ્તારના રેલવે ઓવર બ્રિજ પાસે બની હતી. મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમના ગૃહ જિલ્લા નાલંદાથી ઇથેનોલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરીને રાજધાની પરત ફરી રહ્યા હતા. તેમનો કાફલો શાંતિપૂર્વક પસાર થાય તે માટે પોલીસકર્મીએ તમામ વાહનોને રોકી રાખ્યા હતા. જેમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. જાે કે, આ મામલે પટનાના ટ્રાફિક એસીપી કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તમામ પોલીસકર્મીઓને આવી ઘટનાઓ ફરી ન બને તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. આ મામલે ભાજપએ બિહારની નીતીશ કુમાર સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.
