સ્કોટલેન્ડને વર્લ્ડ કપની ટિકિટ: કોણ સામે, ક્યારે રમશે મેચો
ICCએ બાંગ્લાદેશને ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માંથી બહાર કરી દીધું છે. બાંગ્લાદેશ પોતાની મેચો શ્રીલંકામાં ખસેડવાની માગ પર અડગ રહ્યો હતો, પરંતુ ICCએ આ માંગ સ્વીકારી નહોતી. પરિણામે બાંગ્લાદેશ બહાર થયું અને સ્કોટલેન્ડને વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું છે.
સ્કોટલેન્ડની એન્ટ્રી બાદ ગ્રુપોમાં પણ ફેરફાર થયો છે. હવે સ્કોટલેન્ડને ગ્રુપ-સીમાં રાખવામાં આવ્યું છે, જેમાં અગાઉ બાંગ્લાદેશ હતું. આ ગ્રુપમાં હવે વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લેન્ડ, નેપાલ અને ઇટલીની ટીમો સામેલ છે.
સ્કોટલેન્ડનો પહેલો મુકાબલો 7 ફેબ્રુઆરીએ
સ્કોટલેન્ડ પોતાનું અભિયાન 7 ફેબ્રુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ કરશે. ત્યારબાદ તે જ મેદાન પર 9 ફેબ્રુઆરીએ ઇટલી સામે અને 14 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે મેચ રમશે. ત્યારબાદ 17 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સ્કોટલેન્ડ નેપાલ સામે ઉતરશે.
આ ટૂર્નામેન્ટ માટે સ્કોટલેન્ડે તાજેતરમાં પોતાનું સ્ક્વૉડ જાહેર કર્યું છે, જેમાં રિચી બેરિંગ્ટન ટીમના કેપ્ટન રહેશે.
ટી20 વર્લ્ડ કપ 2026ના પહેલા દિવસે ત્રણ મેચ
ICC ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થશે અને પ્રથમ જ દિવસે ત્રણ રોમાંચક મુકાબલા રમાશે. પાકિસ્તાન પોતાનું અભિયાન કોલંબોમાં નેધરલેન્ડ્સ સામે શરૂ કરશે. બીજા મેચમાં વેસ્ટ ઇન્ડીઝ અને સ્કોટલેન્ડ સામસામે હશે. દિવસનો સૌથી મોટો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા (USA) વચ્ચે રમાશે.
ટી20 વર્લ્ડ કપ 2026માં સ્કોટલેન્ડનું શેડ્યૂલ
07 ફેબ્રુઆરી – વેસ્ટ ઇન્ડીઝ સામે, કોલકાતા
09 ફેબ્રુઆરી – ઇટલી સામે, કોલકાતા
14 ફેબ્રુઆરી – ઇંગ્લેન્ડ સામે, કોલકાતા
17 ફેબ્રુઆરી – નેપાલ સામે, મુંબઈ
છ વખત વર્લ્ડ કપ રમી ચૂક્યું છે સ્કોટલેન્ડ
સ્કોટલેન્ડ અત્યાર સુધી નવમાંથી છ ટી20 વર્લ્ડ કપમાં ભાગ લઈ ચૂક્યું છે. છેલ્લે તે 2024ના ટી20 વર્લ્ડ કપમાં રમ્યું હતું, જ્યાં તેણે ઓમાન અને નામીબિયાને હરાવ્યા હતા, પરંતુ ગ્રુપ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પણ ટીમ મજબૂત પ્રદર્શન કરવાની આશા રાખશે.
ટી20 વર્લ્ડ કપ 2026 માટે સ્કોટલેન્ડનું સ્ક્વૉડ
રિચી બેરિંગ્ટન (કપ્તાન), ટોમ બ્રૂસ, મેથ્યુ ક્રોસ, બ્રેડલી કરી, ઓલિવર ડેવિડસન, ક્રિસ ગ્રિવ્સ, જાનુલ્લાહ એહસાન, માઇકલ જોન્સ, માઇકલ લીસ્ક, ફિનલે મેકક્રેથ, બ્રેન્ડન મેકમુલન, જ્યોર્જ મુન્સી, સૂફિયાન શરીફ, માર્ક વોટ, બ્રેડલી વ્હીલ
