એક તરફ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓને અદ્યતન સુવિધા વાળી અને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી રહી છે. શાળાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ આવી શાળાઓમાં જેમને જ્ઞાન પીરસવાનું છે એ શિક્ષકોની જ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ૧૦ હજારથી વધુ શિક્ષકોની ઘટ છે જે પુરી કરવા માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચી છે. આ મામલે રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ૧૦ હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ધોરણ ૧થી ૫ શિક્ષકોની ઘટ વધારે છે. ન્યૂઝ ૧૮ ગુજરાતી સાથેની વાતચીતમાં રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મનોજ પટેલએ જણાવ્યું છે કે, રાજ્યમાં ૧૦ હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. અમારે પત્ર લખવો પડ્યો છે કે રાજ્ય સરકારે હાલમાં ટેટ ૨ના આધારે શિક્ષકોની ભરતી કરી છે તો ટેટ-૧ના પણ ઘણા બધા ઉમેદવારો છે.
પ્રાથમિક શાળામાં જે શિક્ષકોની ઘટ છે અને ધોરણ ૧થી ૫માં મોટી ઘટ છે તો ટેટ વનના ઉમેદવારોની ભરતી કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે. ઘણા ઉમેદવારોએ અત્યારે ટેટ-૧ પાસ કરી છે તેવા ઉમેદવારો હાલ છે તેઓની ભરતી કરવામાં આવે તો તેઓને કામ મળે અને ધોરણ ૧થી ૫માં શિક્ષકોની ઘટ પણ ઓછી થાય તેવા ઉદેશ સાથે રજૂઆત કરી છે. હિન્દી માધ્યમમાં પણ ઘણા સમયથી શિક્ષકોની ઘટ છે. જાે ટેટ-૧ના શિક્ષકોની ભરતી થાય તો તે હિન્દી માધ્યમમાં પણ શિક્ષકો મળી શકે તવી રજૂઆત છે આ મામલે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખી રજૂઆત કરી છે. મહત્વનું છે કે, જે રીતે શાળાઓને રંગરોગાન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરી સ્માર્ટ બનાવવામાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓના જીવનના ઘડતર માટે જેમનું મહત્વનું યોગદાન છે તેવા શિક્ષકો વગર આ સ્માર્ટ શાળાઓનું કોઈ મુલ્ય નથી રહેવાનું ત્યારે ઝડપથી શિક્ષકોને ભરતી કરવાની માંગ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉઠી છે.
