Stock market
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યા છતાં ટેરિફ મામલે ચિંતા હળવી કરતાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની તરફેણ કરવામાં આવ્યા સામે ૨, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ મામલે મક્કમ હોવાના સંકેતે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં નરમાઈથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે તેજીની હેટ્રિક લાગી હતી. ભારતીય શેર બજારોમાં છેલ્લા પાંચ મહિનામાં આવી ગયેલા મોટા કરેકશન બાદ ઘણા શેરો આકર્ષક વેલ્યુએશને મળવા લાગતાં ફંડો, મહારથીઓ સક્રિય લેવાલ બની જતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝ ફરી વેલ્યુબાઈંગની તક ઝડપી લેવાલ બન્યા સાથે માર્ચ એન્ડિંગ પૂર્વે એક તરફ ચોપડે નુકશાની લેવાની કવાયત કરનારા ઈન્વેસ્ટરો, ફંડો સામે ઘણા ફંડો, મહારથીઓ આ પૈકી ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલિવર, ટાઈટન, ઈન્ફોસીસ સહિતના ફ્રન્ટલાઈન-સારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપતા રહેતાં સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનું તોફાન જોવાયું હતું.
આ સાથે ઘણા એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ આકર્ષણ રહ્યું હતું. ઓટોમોબાઈલ, હેલ્થકેર, બેંકિંગ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, આઈટી શેરોમાં ફંડોની તેજીએ સેન્સેક્સે ૭૬૦૦૦ની સપાટી અને નિફટીએ ૨૩૦૦૦ની સપાટી કુદાવી હતી. અંતે સેન્સેક્સ ૮૯૯.૦૧ પોઈન્ટ ઉછળીને ૭૬૩૪૮.૦૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૮૩.૦૫ પોઈન્ટ વધીને ૨૩૧૯૦.૬૫ બંધ રહ્યો હતો.
અમેરિકી શેર બજાર નાસ્દાકમાં ગઈકાલે મોટાપાયે રિકવરી આવતાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોની ફરી આક્રમક ખરીદી થઈ હતી. ટીસીએસ રૂ.૬૫.૬૫ ઉછળી રૂ.૩૫૬૨.૮૦, રામકો સિસ્ટમ રૂ.૬.૦૫ વધીને રૂ.૩૧૨.૫૦, ઈન્ફોસીસ રૂ.૨૭.૬૦ વધીને રૂ.૧૬૧૪.૧૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૭.૩૦ વધીને રૂ.૧૫૬૦.૮૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૧૬.૫૦ વધીને રૂ.૧૨૭૮.૭૦ રહ્યા હતા.