કોંગ્રેસે ગંગાજળ પર કથિત રીતે ૧૮ ટકા જીએસટી લગાવવાના મોદી સરકારના ર્નિણયની આકરી ટીકા કરી હતી અને તેને લૂંટ તથા પાખંડની પરાકાષ્ઠા ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ ગુરુવારે ઉત્તરાખંડની એક દિવસની મુલાકાત લીધી હતી જેના પર કોંગ્રેસે સવાલો ઊઠાવ્યા હતા. કોંગ્રેસે પૂછ્યું કે પીએમ મોદી એ પણ જણાવી દો કે તમે મણિપુર ક્યારે જશો? કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ ટિ્વટર પર કહ્યું કે મોદીજી મોક્ષ આપનાર મા ગંગાનું મહત્ત્વ એક આમ ભારતીય માટે જન્મથી લઇને જીવનના અંત સુધી અત્યંત વધારે છે.
આ સારું છે કે તમે આજે ઉત્તરાખંડમાં છો પણ તમારી જ સરકારે પવિત્ર ગંગાજળ પર જીએસટી લાદી દીધો છે એ પણ ૧૮ ટકા. તમે એક પણ વાર નથી વિચાર્યું કે એ લોકો પર શું અસર થશે જે પોતાના ઘરોમાં ગંગાજળ રાખવા માટે તેને ઓર્ડર કરીને મગાવે છે.
ખડગેએ કહ્યું કે આ મોદી સરકારની લૂંટ અને પાખંડની પરાકાષ્ઠા છે. કોંગ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર મણિપુરની સ્થિતિનો એક મિનિટનો એનિમેટેડ વીડિયો પણ શેર કર્યો છે જેમાં શબના પડ્યાં હોવા અને હિંસાને કારણે રાજ્યના સળગવાના દૃશ્યો દેખાઈ રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે દેશ પૂછે છે કે પીએમ મોદી મણિપુર ક્યારે જશે?