Deposit insurance
બેન્કના થાપણદારોને તેમની થાપણ સામે અપાતા રૂપિયા પાંચ લાખના વીમા કવચને ૧લી એપ્રિલથી બમણું કરી રૂપિયા ૧૦ લાખ કરવા સરકાર વિચારી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. થાપણદારો ખાસ કરીને સિનિયર સિટિઝનોની ચિંતાને ધ્યાનમાં રાખી આ કવચ વધારવા સરકાર વિચારી રહી છે.
વીમા કવચ વધારવા અંગેનો નિર્ણય વર્તમાન મહિનાના અંત પહેલા આવી જવાની વકી છે અને તેનો અમલ ૧લી એપ્રિલથી કરાશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
૨૦૧૮માં દેશની બેન્કોમાં સિનિયર સિટિઝનોની થાપણનો આંક જે રૂપિયા ૧૩.૭૦ લાખ કરોડ હતો તે ૨૦૨૩માં ૧૫૦ ટકા જેટલો વધી રૂપિયા ૩૪.૨૦ લાખ કરોડ પર પહોંચી ગયો છે.
એસેસેબલ ડિપોઝિટસના પ્રતિ ૧૦૦ રૂપિયા પર બેન્કોએ ૧૨ પૈસા પ્રમાણે વીમા પ્રીમિયમ ચૂકવવું પડે છે.
બેન્કોમાં ખાતેદારોની થાપણ સામેના વીમા કવચની મર્યાદા વધારવાની દરખાસ્ત વિચારણા હેઠળ છે.
આ મુદ્દે સરકાર એક વખત નિર્ણય કરશે ત્યારબાદ નાણાં મંત્રાલય તે મતલબનું નોટિફિકેશન જાહેર કરશે એમ નાણાંકીય સેવા બાબતોના સચિવ એમ નાગારજુએ બે દિવસ પૂર્વે જણાવ્યું હતું.
ગયા સપ્તાહે મુંબઈસ્થિત ન્યુ ઈન્ડિયા સહકારી બેન્કનું પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ થાપણ સામે વીમા કવચની મર્યાદાનો મુદ્દો ઊભો થયો છે.
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કની કટોકટી બાદ બેન્ક થાપણ સામેનું વીમા કવચની રકમ રૂપિયા એક લાખ પરથી વધારી રૂપિયા પાંચ લાખ કરવામાં આવી છે.
નાણાં વર્ષ ૨૦૨૪માં કોર્પોરેશને કુલ રૂપિયા ૧૪૩૨ કરોડના દાવાની પતાવટ કરી હતી જેમાંના મોટાભાગના સહકારી બેન્કોને લગતા હતા.