સરકારે સ્પષ્ટતા કરી હતી કે લગ્ન કે જાનમાં ગીતો વગાડવા તે કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન ન ગણાય અને કોઈ પણ આવી પ્રવૃત્તિઓ માટે રોયલ્ટી ન ઉઘરાવી શકે. ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (ડીપીઆઈઆઈટી)એ એક જાહેર નોટિસમાં કહ્યું કે અમને કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ની કલમ ૫૨ (૧)(ઝેડએ) ની ભાવનાથી વિપરિત લગ્ન-જાનમાં ગીતો વગાડવાને લઈને કોપીરાઈટ સોસાયટી વતી રોયલ્ટી લેવા વિશે સામાન્ય નાગરિકો અને અન્ય પક્ષો તરફથી અનેક ફરિયાદો મળી હતી.
એક્ટની કલમ ૫૨ અમુક એવા કાર્યો સાથે સંકળાયેલી છે જેમાં કોપીરાઈટ એક્ટનું ઉલ્લંઘન થતું નથી. ડીપીઆઈઆઈટીએ કહ્યું કે કલમ કલમ ૫૨ (૧)(ઝેડએ) ખાસ કરીને કોઈ ધાર્મિક સમારોહ કે સત્તાવાર સમારોહ દરમિયાન સાહિત્યક, નાટકીય અથવા ગીતો વગાડવા કે સાઉન્ડ રેકોર્ડિંગના પ્રદર્શનનો ઉલ્લેખ કરે છે. આ કોઈપણ રીતે કોપીરાઈટનું ઉલ્લંઘન નથી. તેમાં જણાવાયું કે ધાર્મિક સમારોહમાં લગ્ન અને જાન અન્ય સામાજિક કાર્યોમાં સામેલ છે. ડીપીઆઈઆઈટીએ કહ્યું કે તેને જાેતાં કોપીરાઈટ સોસાયટીને કોઈપણ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે કલમ ૫૨ (૧)(ઝેડએ) ના ઉલ્લંઘનના કાર્યોથી સાવચેત રહેવાનો નિર્દેશ અપાય છે.