Gold ETF
સોનાના ભાવમાં રેકોર્ડ તેજી છતા વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ વધી રહ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં વૈશ્વિક સ્તરે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં ૯.૪ અબજ ડોલરનું રોકાણ વધ્યું હતુ. રોકાણનો આ આંકડો માર્ચ, ૨૦૨૨ પછી એટલેકે છેલ્લા ૩ વર્ષમાં સૌથી વધુ જોવા મળ્યો છે. ડેટા અનુસાર ભારતમાં સતત ૧૦મા મહિને ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રૂ. ૧૯૭૯.૮૪ કરોડનો નેટ ઈન્ફલો જોવા મળ્યો છે.
એમ્ફીના ડેટા અનુસાર ભારતમાં પણ ગોલ્ડ ઈટીએફ થકી રોકાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં મંદીના માહોલ વચ્ચે ઈક્વિટી સ્કીમોમાં રોકાણ અને એસઆઈપી બંનેમાં નાના રોકાણકારો પાછીપાની કરતા જોવા મળ્યા હતા પરંતુ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સોનાના ઉંચા ભાવ છતા સેફ હેવન સમજીને રોકાણ વધાર્યું છે.
મ્યુચ્યુઅલ ફંડ એસોસિયેશનના ડેટા અનુસાર ભારતમાં સતત ૧૦મા મહિને ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રૂ. ૧૯૭૯.૮૪ કરોડનો નેટ ઈન્ફલો જોવા મળ્યો છે. છેલ્લે એપ્રિલમાં ગોલ્ડ ઈટીએફમાં નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો ત્યારબાદ સતત ૧૦ મહિના ઈટીએફમાં નેટ રોકાણ જ જોવા મળ્યું છે.
રિપોર્ટ અનુસાર ગત મહિને દેશના કુલ ૧૯ ગોલ્ડ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રૂ. ૧૯૭૯.૮૪ કરોડનો ચોખ્ખો પ્રવાહ આવ્યો હતો. ગયા વર્ષના સમાન સમયગાળા એટલે કે ફેબ્રુઆરી, ૨૦૨૪ની સરખામણીએ આ આંકડો ૯૮.૫૩ ટકા વધુ છે. ગયા વર્ષે આ જ મહિના દરમિયાન દેશના કુલ ૧૭ ગોલ્ડ ઈટીએફમાં ૯૯૭.૨૨ કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. જાન્યુઆરી ૨૦૨૫ની સરખામણીએ જોઈએ તો રૂ. ૩૭૫૧.૪૨ કરોડના નેટ રોકાણની સામે ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો છે.
નિષ્ણાતોના મતે ઇક્વિટીમાં બજારમાં સતત ઘટાડા અને વૈશ્વિક અનિશ્ચિતતાએ રોકાણકારોને ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરવાનું વધુ સુરક્ષિત બનતા લોકો આ સેગમેન્ટ માટે વધુ પ્રોત્સાહિત થયા છે. સોનામાં સારા વળતરની આશા વચ્ચે હાલમાં પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરવા માટે ઈટીએફ દ્વારા આ એસેટ ક્લાસમાં ભારે રોકાણ કરી રહ્યા છે.
ફેબ્રુઆરીમાં સ્થાનિક બેન્ચમાર્ક સોનાના ભાવમાં ૪ ટકાનો વધારો થયો હતો. આ જ સમયગાળા દરમિયાન સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે ૫.૬ અને ૫.૯ ટકા ઘટયા હતા. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં અનુક્રમે ૧૦.૮ ટકા અને ૧૩.૧ ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.