વડાપ્રધાન મોદીએ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થયેલી ફેરી સર્વિસ (નૌકા સેવા) પર સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આજે અમે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદીએ કહ્યું કે ભારત અને શ્રીલંકાની સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે અને હવે બંનેમાં આર્થિક ભાગીદારી પણ વધશે. આ ફેરી સેવા નાગાપટ્ટિનમ અને કાંકેસંતુરાઈ વચ્ચે શરૂ કરાઈ છે અને આપણા સંબંધોને મજબૂત કરવામાં એક સીમાચિહ્ન સાબિત થઇ છે.
કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કાંકેસંતુરાઈ વચ્ચે ફેરી સર્વિસને લીલીઝંડી બતાવી હતી. આ દરમિયાન વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકર આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જાેડાયા હતા. પીએમએ તેમના સંબોધનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ વિક્રમાસિંઘેની તાજેતરની યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી વધારવા સહમતિ થઇ હતી.
માહિતી અનુસાર શ્રીલંકા જવા માટે ફેરી સેવાની ટિકિટ પ્રતિ વ્યક્તિ ૭૬૭૦ રૂપિયા (૬૫૦૦ અને ૧૮ ટકા જીએસટી) નક્કી કરાઈ હતી. નાગાપટ્ટિનમ શિપિંગ હાર્બર વિભાગના અધિકારીઓની માનીએ તો આજે ઉદઘાટનના પ્રસ્તાવ રુપે આ ટિકિટ ૨૮૦૦ રૂપિયા (૨૩૭૫ અને જીએસટી) નક્કી કરાઈ છે. હાલમાં ટિકિટના ભાવ પર ૭૫ ટકા છૂટ અપાઈ છે. આ ફેરી સેવાથી કોઈપણ વ્યક્તિ ત્રણ કલાકમાં તમિલનાડુથી શ્રીલંકા પહોંચી શકશે.