રાજ્યમાં લાંબા સમયથી વરસાદની રાહ જાેવાઇ રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. જ્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી પણ નિરાશ કરનારી છે. હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે વરસાદ પડી રહ્યો નથી. જાેકે, રાજ્યના અમુક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ થઇ રહ્યો છે કે, આખરે ક્યારે વરસાદી સિસ્ટમ સર્જાશે અને ક્યારે સારો વરસાદ થશે? તે અંગે સૌ કોઇ મીટ માંડીને બેઠા છે.
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે, તે અંગે આગાહી વ્યક્ત કરી હતી. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી. ગઇકાલે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ૨૪ કલાક દરમિયાન રાજ્યના અમુક ભાગમાં જ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની કે માછીમારો માટે કોઈ ચેતવણી ન હોવાનું પણ જણાવ્યું હતું. અમદાવાદનું હવામાન કેવું રહેશે તે અંગે પણ હવામાન વિભાગે જણાવ્યું છે.
દક્ષિણ ભાગમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઇ હતી. સાથે જ વરસાદમાં ભારે ઘટાડો જાેવા મળવાની અને આ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાત પુરતો વરસાદ સીમિત રહેવાની સંભાવનાઓ છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ થઈ શકે છે.
કચ્છમાં આગામી ૭ દિવસ સુધી વરસાદ થવાની સંભાવનાઓ નથી, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે. હાલ રાજ્યમાં ચોમાસાની કોઈ એક્ટિવ સિસ્ટમ નથી, જેના કારણે ભારે વરસાદની સંભાવનાઓ ન હોવાનું હવામાન વિભાગ જણાવે છે. આ સાથે નજીકના સમયમાં કોઈ નવી સિસ્ટમ બનવાની સંભાવનાઓ પણ ન હોવાનું જણાવવામાં આવ્યું છે. અમદાવાદમાં હળવા વરસાદના એકથી બે સ્પેલ થવાની સંભાવનાઓ છે. આગામી દિવસોની આગાહી કરીને હવામાન વિભાગે માછીમારો માટે પણ કોઈ પ્રકારની વોર્નિંગ ન હોવાનું જણાવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાનો ૯૩ ટકા વરસાદ થઈ ચૂક્યો છે.