રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ હવે શહેરના અનેક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરમાં વરસાદનું આગમન થતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા. યુનિવર્સિટી રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાઇ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. યુનિવર્સિટી રોડ વિસ્તારમાં ચારેય તરફ પાણી ભરાઇ ગયા છે.
તેમજ ગોંડલ ચોકડી, આજીડેમ ચોકડી, હુડકો ચોકડી અને કોઠારીયા રોડ વિસ્તારમાં પણ મેઘ મહેર બાદ પાણી ભરાઇ ગયા છે. જાે કે શહેરમાં ૪ દિવસના અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મહત્વનુ છે કે રાજકોટ શહેરમાં એક કલાકમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ મધ્યમાં બપોરે ૧થી ૨ વાગ્યા દરમિયાન ૨ ઇંચ વરસાદ તો રાજકોટ પશ્ચિમમાં ૨ ઇંચ અને રાજકોટ પૂર્વમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની પણ ઘટના બની છે.