ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે વર્ષ ૨૦૧૧માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. વર્લ્ડ કપની આ મેચ બધાને સારી રીતે યાદ છે. શ્રીલંકાએ આપેલા ૨૭૫ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ૪૮.૨ ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ધોનીએ મારેલી વિનિંગ સિક્સે બધાને તેના દિવાના બનાવી દીધા હતા. આજ સુધી ભારતીય ચાહકો એ સિક્સરને ભૂલી શક્યા નથી. હાલમાં જ ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝી દ્વારા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તે ૨૦૧૧ વર્લ્ડ કપની પોતાની ખાસ પળ વિશે જણાવી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં ધોનીએ જણાવ્યું હતું કે ૨૦૧૧ વર્લ્ડ કપની ફાઈનલ મેચ સમાપ્ત થવાના ૧૦થી ૧૫ મિનિટ પહેલા તે ભાવુક થઈ ગયો હતો. ધોનીએ કહ્યું કે ફાઈનલ દરમિયાન સૌથી સારી ક્ષણ મેચ પૂરી થવા પહેલાની હતી. જ્યારે ટીમને વધારે રનની જરૂર નહોતી, કારણ કે શાનદાર ભાગીદારી ચાલી રહી હતી. તે સમયે મેદાન પર ઘણું ઝાકળ પડ્યું હતું અને રનનો વરસાદ પડી રહ્યો હતો.
વર્લ્ડ કપ ૨૦૧૧ની ફાઈનલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો વંદે માતરમ ગાવા લાગ્યા હતા. હું તે ક્ષણને અનુભવી શકતો હતો અને વર્લ્ડ કપ ૨૦૨૩માં તેને ફરીથી અનુભવવો મુશ્કેલ છે. જાે બધું ૨૦૧૧ના વર્લ્ડકપ જેવું થાય અને સ્ટેડિયમમાં હાજર ૫૦થી ૬૦ હજાર દર્શકો એક જ જગ્યાએ ગીત ગાશે તો તેનું પુનરાવર્તન થઈ શકે છે. ધોનીએ વધુમાં જણાવ્યું કે મેચ પુરી થતા પહેલા તે ભાવુક થઈ ગયો હતો. તે ચાહકોને જીતની ભેટ આપવા માંગતો હતો. તેને ખાતરી હતી કે અહીંથી તેની મેચ હારવી મુશ્કેલ છે. ધોનીએ કહ્યું કે જ્યારે મેં મેચ પૂરી કરી ત્યારે મને એક અલગ પ્રકારનો સંતોષ મળ્યો અને મને લાગ્યું કે મારો ઉદ્દેશ્ય પૂર્ણ થઇ ગયો.