એક સમય એવો હતો કે લોકો વધુ અભ્યાસ કરવા માટે પરદેશ જવાનું પસંદ કરતા હતા પરંતુ હવે સ્થાઈ થવા માટે પણ લોકો યુએસ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા દેશોને પસંદ કરી રહ્યા છે. આ દેશોમાં જવા માટેના યુવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જેમની પાસે યોગ્ય લાયકાત નથી તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા-કેનેડા જેવા દેશોમાં ઘૂસણખોરીના પ્રયાસો કરતા હોય છે. પરદેશમાં જવા માટે એજન્ટને રૂપિયા આપીને કે ખોટી રીતે પ્રયત્નો કરતા હોય તે અંગે ભારત તરફથી યુકે એમ્બેસીમાં ફરજ બજાવી ચૂકેલા દિગંત સોમપુરાએ આ સવાલ અંગે મહત્વની વાત કહી છે. તેમણે પરદેશ જવા માટે શા માટે ખોટા રસ્તા ન અપનાવવા જાેઈએ અને કેવું શિક્ષણ ઉપયોગી થઈ શકે તે અંગે વાત કરી છે. વિદેશની બાબતોના જાણકાર દિગંત સોમપુરાએ ગેરકાયદેસર પરદેશમાં ઘૂસણખોરી બાબતે વાત કરતા જણાવ્યું કે, પરદેશ જવાના સરળ રસ્તા હોય છે, જ્યારે તમે આ સરળ રસ્તે નથી જતા ત્યારે ખોટા રસ્તા અપનાવવા પડે છે. પરદેશ જવા માટે તમારી સારું એજ્યુકેશન બેગ્રાઉન્ડ કે કોઈ સ્કીલ હોય તે મહત્વના સાબિત થાય છે. શિક્ષણ અને તમારી સ્કીલના આધાર પર પરદેશ જવું સરળ છે. જ્યારે એજ્યુકેશન બેગ્રાઉન્ડ બરાબર ન હોય અને અહીં બેકાર ફરી રહ્યા હોય તેવા લોકો પરદેશ જવાના ખોટા રસ્તા અપનાવતા હોય છે. ખોટી રીતે પરદેશમાં જવાની બાબતે દિગંત સોમપુરાએ વધુ વાત કરતા જણાવ્યું કે, અહીં કશું ન કરતા હોય અને વિદેશ જવું હોય તેઓ રૂપિયા આપીને ખોટી રીતે પરદેશ જવાનો પ્રયાસ કરતા હોય છે.
આ લોકો ફસાય છે તેવા કિસ્સા અનેકવાર સામે આવતા હોય છે, મેં યુકે એમ્બેસીમાં કામ કર્યું છે, માટે હું લોકોને વિનંતી કરું છું કે ખોટી રીતે પરદેશ જવાના પ્રયત્નો ન કરવા જાેઈએ. તમે પરદેશમાં ફરવા જવું હોય કે સ્થાઈ થવા માટે જવું હોય તો ખોટા રસ્તાનો ઉપયોગ ન કરશો. એજન્ટની વાતોમાં આવીને રૂપિયા આપીને ગેરકાદે પરદેશ જવાનો પ્રયત્ન કરતા લોકોને પણ તેમણે સલાહ આપી છે કે એજન્ટની વાતોમાં આવીને ખોટા રસ્તા ન આપનાવવા જાેઈએ, આ પ્રકારના એજન્ટોની કોઈ કેપેસિટી નથી હોતી. આ રીતે રૂપિયા આપીને ગેરકાયદે વિદેશમાં ઘૂસણખોરી કરનારા લોકોને મોટી મુશ્કેલીમાં મૂકાવું પડતું હોય છે. આ પ્રકારના ઘટનાઓ ડિંગુચા સહિતના કિસ્સામાં જાેવા મળી છે. હાલમાં પણ જાન્યુઆરીમાં અમેરિકા જવા માટે નીકળેલા ૯ જેટલા યુવાનો કેરેબિયન ટાપુ પર પહોંચ્યા તે પછી તેમના પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. હવે હાલ તેમનો કોઈ અત્તોપત્તો નથી. અગાઉ વિદેશની બાબતોના એક્સપર્ટ દિગંત સોમપુરાએ પરદેશમાં ગેરકાયદે જતા લોકોની વાત કરીને જણાવ્યું કે તેમનું સૌથી મોટું આકર્ષણનું કારણ ત્યાનું જીવન અને ડૉલર એક્સ્ચેન્જ રેસિયો છે. જાે અમેરિકાના ડૉલરનો રેટ ભારતના રૂપિયાની સરખામણીમાં ૧ રૂપિયો થઈ જાય તો કોઈ પરદેશ જશે નહીં. ગેરકાયદે અમેરિકા જનારા મોટાભાગના પોતાનું બેગ્રાઉન્ડ, શિક્ષણ.. અને હું સ્પષ્ટ પણ કહીશ કે એવા લોકોનો સમાજમાં માનમોભો હોતો નથી એટલે કોઈ પણ પ્રકારે તેઓ અહીંથી ભાગી જવાના પ્રયત્ન કરતા હોય છે. ત્યાં ગયા પછી તેમને કાળી મજૂરી કરવી પડતી હોય છે. આ સાથે તેમણે કહ્યું કે, ગેરકાયદે પરદેશ ગયેલા લોકોને ત્યાં સ્ટોરોમાં કલાકો સુધી ઉભા રહેવું પડે, પેટ્રોલ પંપ પર કે કાર વોશમાં કામ કરવું પડે છે, સાદી ભાષામાં કહું તો તેમણે કાળી મજૂરી કરવી પડે છે. હું ૧૦ વર્ષ ત્યાં રહેલો છું આ લાઈફ મેં જાેયેલી છે.
