કચરાની સમસ્યા ફક્ત પૃથ્વી પર જ નહીં પરંતુ અંતરિક્ષમાં પણ વધતી જઈ રહી છે. પૃથ્વીની કક્ષામાં માનવીએ બનાવેલી અનેક કૃત્રિમ વસ્તુઓ સમય અને ઉદ્દેશ્ય પૂરો થયા બાદ જ હજુ અંતરિક્ષમાં ફરી રહી છે. નાસાએ જણાવ્યું કે આશરે ૮૪૦૦ ટન કચરો અંતરિક્ષમાં થઈ ગયો છે. જેમાં મોટાભાગે ૧૮ હજારથી લઈને ૨૮ હજાર માઈલ્સ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની કક્ષામાં ફરે છે. જાે તેમાંથી એક પણ ઓબ્જેક્ટ પૃથ્વી પર ક્યાંક પડશે તો તે ભારે તબાહી મચાવી શકે છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે રોકેટ સ્ટેજ જે અંતરિક્ષમાં પહોંચીને સેટેલાઈટ લોન્ચ કર્યા બાદ ત્યાં જ રહી ગયા છે. રોકેટના આગળના કોન, પેલોડના કવર, બોલ્ટ્સ અને મહદઅંશે ભરાયેલી ફ્યૂઅલ ટેન્ક, બેટરી અને લોન્ચિંગ સંબંધિત અન્ય હાર્ડવેર અંતરિક્ષમાં કાટમાળ તરીકે હાજર છે. નાસાના જણાવ્યાનુસાર અંતરિક્ષમાં હાલના સમયે ૨૦ હજારથી પણ વધુ નાના-મોટાં ઉપકરણો કચરો બની ગયા છે અને પૃથ્વીની નીચલી કક્ષામાં ચક્કર લગાવી રહ્યા છે. નાસાના જણાવ્યા અનુસાર, અંતરિક્ષ કાટમાળને ટ્રેક કરવાની ક્ષમતામાં સુધારાથી સેટેલાઈટ ઓપરેટિંગ અને માનવ અંતરિક્ષ મિશનના જાેખમોને ઘટાડવામાં મદદ મળી શકે છે. અંતરિક્ષમાં હાલના સમયે રશિયાના ૭૦૩૨, અમેરિકાના ૫૨૧૬, ચીનના ૩૮૫૪, ફ્રાન્સના ૫૨૦, જાપાનના ૧૧૭ અને ભારતના ૧૧૪ સેટેલાઈટ અને રોકેટ્સ છે. તે ૧થી ૧૦ સેમી જેટલાં આશરે ૫ લાખથી વધુ સ્પેસ જંક છે. આ કાટમાળમાં સતત વધારો થશે કેમ કે અંતરિક્ષ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે.
નાસાના અહેવાલ અનુસાર ભારતના ૨૦૬ ટુકડાં છે. તેમાં ૮૯ ટુકડા પેલોડ અને ૧૧૭ ટુકડા રોકેટના છે. જાેકે ભારતથી લગભગ ૨૦ ગણો વધુ કાટમાળ ચીનનો છે. તેના લગભગ ૩,૯૮૭ ટુકડા અંતરિક્ષમાં ફરી રહ્યા છે. આ ઓબ્જેક્ટ ૦.૧૧ સેમથી અનેક મીટરના હોઈ શકે છે. જાે એક પણ ઓબ્જેક્ટ ક્યાંક પડશે તો ભારે તબાહી મચાવી શકે છે. એકવાર વપરાતા રોકેટની જગ્યાએ ફરી ઉપયોગમાં લેવાતા લોન્ચ વ્હિકલ્સનો ઉપયોગ કરવાથી પેદા થતાં નવા કાટમાળની માત્રાને ઘટાડવામાં મદદ મળી શકે છે. તેના માટે સામગ્રી અને ડિજાઈનમાં સુધારો કરવાની જરૂર છે. વધારે ટકાઉ સામગ્રીઓનો ઉપયોગ કચરાની માત્રાને ઘટાડશે. ઈસરો પણ અંતરિક્ષ પર્યાવરણ પર વધતી અંતરિક્ષ કાટમાળની અસરને લઈને અભ્યાસ કરી રહી છે.