સુરતમાં દિવસેને દિવસે રોગચાળામાં સતત વધારો થઇ રહ્યો છે. એક તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. બીજી તરફ સુરત સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. તબીબના જણાવ્યા પ્રમાણે એક દિવસમાં ૩૦૦થી પણ વધુ કેસ દરરોજ આવી રહ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ સતત વધ્યા છે. નાના બાળકો હોય કે વડીલ ઝાડા, ઉલટી, તાવ અને મેલેરિયા જેવા કેસમાં વધારો થયો છે.. તો કંજક્ટિવાઇટિસના કેસ પણ વધ્યા છે. અત્યાર સુધી જિલ્લામાં રોગચાળાના કારણે ૨૦ લોકોના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડને જાેઇને વધુ ૩ કેસ બારી ખોલી દેવાઇ છે. તો ૮ વોર્ડમાં વધુ ૬૦ બેડ પણ મૂકાશે.
બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ૮ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે. તમામ વિસ્તારોમાં ૧૦ જેટલી મોબાઇલ મેડિકલની ટીમ ઉભી કરી દેવાઇ છે. જ્યાં પણ જરૂર હોય ત્યાં સ્થળ પર જ સારવાર અપાય છે, અને વધુ બીમારી હોય તો સિવિલ મોકલવામાં આવે છે. આરોગ્ય વિભાગની ટીમ સર્વેની કામગીરી પણ કરી રહી છે. ચોમાસાને લઇ સુરતના લોકોને ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. છેલ્લા ૧ મહિનામાં શહેરમાં ગંદા પાણીની ફરિયાદ, ઝાડા-ઉલટી અને તાવના કેસમાં વધારો થયો છે.