એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં ૪૧૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે.
અધિકારીએ આજે આ માહિતી આપતાં જણાવ્યું કે સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ એપને પ્રમોટ કરી રહ્યા હતા.
ઈડીદ્વારા અપાયેલી માહિતી અનુસાર આ એપનું સંચાલન દુબઈથી કરવામાં આવી રહ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે ઈડીએ તાજેતરમાં કોલકાતા, ભોપાલ અને મુંબઈ વગેરે શહેરોમાં મહાદેવ સંબંધિત મની લોન્ડરિંગ નેટવર્ક વિરુદ્ધ વ્યાપક અભિયાન ચલાવ્યું હતું.
દરમિયાન ભારે માત્રામાં વાંધાજનક પુરાવાઓ મળી આવ્યા હતા. ઈડીએ ૪૧૭ કરોડ રૂપિયાની ગેરકાયદે આવકને જપ્ત કરી લીધી હતી.
અધિકારીઓએ કહ્યું કે ઈડીની તપાસમાં જાણ થઈ કે મહાદેવ ઓનલાઈન બુક એપ યુએઈ (AE)થી ઓપરેટ થાય છે. તે તેના સહયોગીઓને ૭૦-૩૦ લાભના પ્રમાણમાં પેનલ/શાખાઓની ફ્રેન્ચાઈઝી આપીને સંચાલિત થતી હતી. સટ્ટાબાજીની આવકને વિદેશી ખાતામાં મોકલવા માટે મોટાપાયે હવાલા ઓપરેશન થાય છે. આટલું જ નહીં નવા યૂઝર્સ અને ફ્રેન્ચાઈઝી મેળવવા માગતા લોકોને આકર્ષિત કરવા માટે સટ્ટાબાજી વેબસાઈટોની જાહેરાતો માટે ભારતમાં રોકડમાં મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
કંપનીના પ્રમોટર છત્તીસગઢના ભિલાઈના રહેવાશી હતા. મહાદેવ ઓનલાઈન બુક બેટિંગ એપ્લિકેશન ગેરકાયદે સટ્ટાબાજી વેબસાઈટ માટે ઓનલાઈન પ્લેટફોર્મની વ્યવસ્થા કરનાર એક પ્રમુખ સિન્ડિકેટ છે.