જાણીતા બોલિવૂડ ફિલ્મમેકર ઝોયા અખ્તર અને રીમા કાગતીની સિરીઝ મેડ ઇન હેવન સીઝન ૨ પ્રાઇમ વીડિયો પર આવી ગઈ છે. શોભિતા ધુલિપાલા અને અર્જુન માથુર આ નવી સિઝનમાં ભવ્ય લગ્નો સાથે પરત ફર્યા છે. આ સિઝનમાં તેઓ તેમના અંગત અને વ્યાવસાયિક જીવનને દર્શાવવા ઉપરાંત વિવિધ વાર્તાઓમાંથી પણ પસાર થઈ રહ્યા છે. ડિરેક્ટર નીરજ ઘાયવાન દ્વારા નિર્દેશિત એક એપિસોડમાં રાધિકા આપ્ટે દલિત કન્યા તરીકે જાેવા મળે છે. તેનાં દલિત લગ્ન લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે અને ઘણાં લોકો આ એપિસોડને મેડ ઈન હેવન સિઝન ૨નો શ્રેષ્ઠ એપિસોડ જણાવી રહ્યા છે.
મેડ ઈન હેવન ૨ના પાંચમા એપિસોડનું શીર્ષક છે ધ હાર્ટ સ્કિપ્ડ અ બીટ. જેમાં વકીલ અને લેખિકા પલ્લવી મેનકે (રાધિકા આપ્ટે)એ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે. પલ્લવી તેની જ્ઞાતિ અંગે ખુલીને વાત કરે છે અને ઈચ્છે છે કે તેની સાથે ‘સમાન’ વ્યવહાર કરવામાં આવે. તેણે તેનાં મંગેતરને સૂચવ્યું કે તેમણે દલિત-બૌદ્ધ લગ્ન કરવા જાેઈએ. ઊંચી જાતિના વરરાજાના પરિવારની પાંરપરિક ધારણાઓ સમજ્યા પછી પલ્લવીના આખરે લગ્ન થઈ ગયા. તે એક સફેદ સાડી પહેરે છે અને તળાવની વચ્ચે થઈને વરરાજા પાસે જાય છે. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીર સમક્ષ પ્રાર્થના પણ કરે છે. તેઓ બૌદ્ધ ભિક્ષુઓની ઉપસ્થિતિમાં લગ્ન કરે છે. ઝોયા અખ્તર અને રીમા કાગતીની સિરીઝ Made in Heaven season 2 એ એક એન્થોલોજી સિરીઝ છે કે જેમાં કરણ મહેરા અને શોભિતા ધુલિપાલા મુખ્ય ભૂમિકામાં છે. તેઓ વેડિંગ પ્લાનરની ભૂમિકા ભજવતા જાેવા મળી રહ્યા છે. જે ભવ્ય અને ખર્ચાળ એવા ભારતીય લગ્નોની આસપાસની વાર્તા છે. નીરજ ઘાયવાન, ઝોયા અને રીમા ઉપરાંત તેમાં અન્ય એપિસોડનું નિર્દેશન અલંકૃતા શ્રીવાસ્તવ અને નિત્યા મહેરાએ પણ કર્યું છે