DGCA Action on Air India: ત્રણ અધિકારીઓને ફરજ પરથી દૂર કરાયા, 10 દિવસમાં અહેવાલ માંગવામાં આવ્યો
DGCA Action on Air India: અમદાવાદ ખાતે નવીન સર્જાયેલી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. દુર્ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ તરત કાર્યવાહી કરતાં એર ઈન્ડિયાના ત્રણ ઉચ્ચ અધિકારીઓને ફરજ પરથી દૂર કરવા આદેશ આપ્યો છે. આ અધિકારીઓને ક્રૂ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગ પ્રક્રિયામાં ગંભીર બેદરકારી બદલ જવાબદાર ઠેરવાયા છે. DGCA એ એર ઈન્ડિયા સામે આંતરિક અનુશાસનાત્મક તપાસ પણ શરૂ કરાવવાનો આદેશ આપ્યો છે અને આગામી 10 દિવસમાં તપાસનો અહેવાલ સોંપવાની માંગણી કરવામાં આવી છે.
દુર્ઘટનાની ઘટનાએ વિમાની સલામતી અને ઓપરેશનલ વ્યવસ્થાપન અંગે ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ટેકઓફ દરમિયાન વિમાનમાં ટેકનિકલ તકલીફ સર્જાઈ હતી, જેના કારણે વિમાન નિયંત્રણ ગુમાવતાં તે નજીકની મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયું. વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા, જેમાંથી 241 લોકોએ દુઃખદ રીતે જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ માત્ર ભારતમાં નહીં, પણ આખા વિશ્વમાં દુઃખની લાગણી ઉભી કરી છે.
DGCAએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી ઘટના ન બને, તે માટે વિમાન શેડ્યુલિંગ અને રોસ્ટરિંગના નિયમો વધુ કડક બનાવવામાં આવશે. ક્રૂ મેનેજમેન્ટમાં કોઇ પણ પ્રકારની બેદરકારી હવે સહન કરવામાં નહીં આવે. અધિકારીઓ સામેની કાર્યવાહીના ભાગરૂપે, DGCAએ એર ઈન્ડિયા પાસે તમામ માહિતી માગી છે કે ભૂલો કઈ રીતે સર્જાઈ અને તેમાં કોની જવાબદારી હતી.
આ પગલાં એ દર્શાવે છે કે ભારતની વિમાની સુરક્ષા એજન્સીઓ હવે વ્યવસ્થાપન અને જવાબદારી બંને મામલામાં કોઈ પ્રકારની ઢીળાશ રાખવા તૈયાર નથી. દુર્ઘટનાનું કારણ ભલે ટેકનિકલ ખામી હોવાનું જણાઈ રહ્યું હોય, પણ તેમાં માનવ ભૂલ અને પ્રબંધન ખામીઓની પણ શક્યતા નકારી શકાતી નથી.