પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબા ના સાનિધ્યમાં માસના પહેલા દિવસથી જ ભક્તિમય વાતાવરણમાં ૨૪ કલાક ૐ નમઃ શિવાય અખંડ ધૂન સાથે થઈ રહી છે. આ ઉજવણી અંતર્ગત શ્રાવણ માસના બીજા સોમવારે છોટે મોરારી બાપુ અને શિવજી મહારાજ સહિત વિવિધ સંતો અને બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ખુબજ ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી.પ્રગટેશ્વર સેવા સમિતિ મહિલા મંડળના દર્શના (ગુડ્ડી)ના માર્ગદર્શન હેઠળ શિવ પરિવારની બાલિકાઓએ સુંદર વેશભૂષાથી સુશોભિત બની મનમોહક રાસ રજૂ કર્યો હતો. આ રાસને નિહાળી સૌ મંત્રમુગ્ધ બન્યા હતા અને રોકડ ઇનામો આપ્યા હતા. પ્રગટેશ્વર સેવા સમિતિ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર કેદારનાથ અને બદ્રીનાથ યાત્રાના સંદર્ભમાં ભૂદેવો અને શિવભક્તોને ચારધામ મહાત્મ્ય પુસ્તિકાનું વિતરણ કરાયું હતું.આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદા તેમજ છોટે મોરારીબાપુના હસ્તે વિધવા મહિલાઓને સ્ટીલની થાળીનું વિતરણ કરાયું હતું.અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ૨૪ કલાક ૐ નમઃ શિવાયની અખંડ ધૂન ચાલુ રહે છે, જેમાં સમગ્ર શિવ પરિવારના શિવભક્તો ઉમંગભેર ભાગ લઈ ભગવાન શિવના આશીર્વાદ મેળવે છે, આ ધૂનમાં સહભાગી બનવા પ્રગટેશ્વર સેવા સમિતિનો સંપર્ક સાધવાનો રહેશે.
આ શુભ અવસરે આયોજિત એક કુંડી લઘુરુદ્રયજ્ઞની વિધિ પ્રગટેશ્વર ધામના ગોર મહારાજ કશ્યપભાઈ જાની સહિત ચિંતનભાઈ જોષી અને માનવ મહેતાએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાવી હતી.આ અવસરે ભગવાન શિવની પાલખી યાત્રા પણ યોજવામાં આવી હતી, જેમાં અનેક શિવભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા અને હર હર મહાદેવ તેમજ ૐ નમઃ શિવાયના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બનાવી દીધું હતું.આ શુભ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, જીવનમાં ભોજન, ખેતી, શિક્ષણ વગેરે ઉપયોગી એવી દરેક વસ્તુનું લેવલ સાચવવું જરૂરી છે, ધર્મમાં પણ લેવલ જાળવીશું તો ભગવાનની કૃપા અવશ્ય મળે છે. આપણી ઉપર માતાપિતાના આશીર્વાદ હોય તો આપણું દરેક કાર્ય સિદ્ધ થાય છે. જેના માબાપ સંસ્કારી અને પરોપકારી હોય એવા વ્યક્તિને ત્યાં સેવાભાવી વ્યક્તિનો જન્મ થાય છે, જે હમેશા લોકોનું ભલું જ કરે છે. ભગવાનની કૃપા વિના કોઈ કામ શક્ય બનતું નથી અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કરેલા કર્મનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે, જેનો સૌને લાભ લેવા અનુરોધ કર્યો હતો. પૃથ્વીના દેવતા બ્રાહ્મણ છે, બ્રાહ્મણના દર્શન થાય તો પણ આપણી સદગતિ થાય છે અને આપણા પાપોનો નાશ થાય છે.
આ અવસરે છોટે મોરારીબાપુએ જણાવ્યું હતું કે, શ્રાવણ એટલે સારું શ્રવણ કરવાનો મહિમા છે, સારું કર્મ કરો અને એ ન કરી શકો તો જે કોઈ સારું કર્મ કરે તેમનો સાથ આપો તો પણ તેનું ફળ તમને મળી જાય છે. જન્મથી જેમનામાં સંસ્કાર હોય તે બીજામાં સંસ્કાર ઉતારી શકે છે. ભગવાનની ભક્તિ પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધાથી કરવી જરૂરી છે, પણ આજે લોકોને શોર્ટકટમાં બધું જોઈએ છે, પણ એ શક્ય નથી, સારું ફળ મેળવવા માટે રાહ તો જોવી જ પડે છે. ૐ નમઃ શિવાયનું શ્રદ્ધાથી રટણ કરવાથી લખેલા લેખ પણ બદલી શકાય છે. દીકરીઓનો ત્યાગ સન્યાસી કરતા પણ વધુ હોય છે, સામાને અનુકૂળ થાય તે પ્રમાણે તે વિવાહિત જીવન જીવે છે.
ભગવાન શિવને જેમણે મેળવેલા હશે અને જે શિવના પગલે ચાલે છે તે શિવ સ્વરૂપ બની જાય છે, જે પરભુદાદામાં મને દેખાય છે. પરભુદાદા અડસઠ તીર્થ રૂપી બ્રાહ્મણોને લઈને ચાલે છે. અહીં અમૃતની પરબ છે, જ્યાં શ્રદ્ધાથી આવો તો તેનું પાન તમે અવશ્ય કરી શકો છો.પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારની ઉજવણીમાં પ્રગટેશ્વર ધામ આછવણીના પ્રમુખ બીપીનભાઈ પરમાર, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, મંત્રી અમિતભાઇ પટેલ, ખજાનચી હેમંતભાઈ પટેલ, સહિત શિવ પરિવારના અપ્પુભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, મયંકભાઈ બ્રહ્મભટ્ટ, કૃપાશંકર યાદવ, કાંતિભાઈ દમણિયા, મયુરભાઈ પટેલ, પ્રીતમભાઈ પટેલ તેમજ ગુજરાત-મહારાષ્ટ્ર શિવપરિવાર, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભગવાન શિવની આરાધના કરી હતી.
