કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ ગઈકાલે લોકસભા સચિવાલયે સદસ્યતા પુનઃસ્થાપિત કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ પછી રાહુલે પોતાના ટિ્વટર હેન્ડલ પર ‘અયોગ્ય સાંસદ’ને બદલે ફરી ‘સંસદ સભ્ય’ એવું અપડેટ કર્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કર્યાના એક દિવસ બાદ આજે જૂનો સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે. બંગલો મળ્યા બાદ તેમને પૂછવામાં આવ્યું કે તમને કેટલી ખુશી થઇ છે ઘર પાછું મળી ગયું છે, ત્યારે તેમણે કહ્યું કે, આખું ભારત મારું ઘર છે.
૨૦૦૫ થી, રાષ્ટ્રીય રાજધાનીમાં રાહુલનું સત્તાવાર સરનામું ૧૨, તુઘલક લેન બંગલો છે. લોકસભાની હાઉસિંગ કમિટિએ સતાવાર જાહેર કરી છે કે રાહુલ ગાંધીને ફરી એકવાર આ ઘર આપવામાં આવ્યું છે.
૨૩ માર્ચે ગુજરાતના સુરતની એક કોર્ટે મોદી અટક કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી કેન્દ્ર સરકારે ૨૪ કલાકમાં તેમનું લોકસભા સભ્યપદ રદ કરી દીધું હતું. ત્યારપછી તેમનો સરકારી બંગલો એક મહિના પછી પાછો લેવામાં આવ્યો હતો. આ પછી રાહુલ ગાંધી હાઈકોર્ટ પહોંચ્યા પરંતુ તેમને અહીં પણ રાહત ન મળી. આખરે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી છે.