સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રની શરૂઆત આજથી થઇ ગઈ છે. પ્રથમ દિવસે જુની બિલ્ડીંગમાં કાર્યવાહી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ચર્ચાની શરૂઆત કરી. તે જ સમયે, સંસદના વિશેષ સત્રમાં વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ઘણી વાતો પર સરકારને ઘેરી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જી૨૦ને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો. ખડગેએ તેમના ભાષણમાં કહ્યું કે, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓ પર ધ્યાન આપવાને બદલે જી૨ની વાત કરવામાં વ્યસ્ત છીએ.
જયારે ખડગે જી૨૦ને બદલે જી૨ બોલ્યા ત્યારે સભાપતિ જગદીપ ધનખડે તેમને ટોક્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, તે જી-૨૦ છે. તેના જવાબમાં ખડગેએ કહ્યું કે, જી-૨૦નો ઝીરો કમળથી ઢંકાય ગયો હતો. વિપક્ષના નેતાએ કહ્યું, જી-૨૦ના પોસ્ટરમાં જી-૨૦ ને બદલે જી-૨ દેખાય છે કારણ કે તેનો ઝીરો કમળથી ઢંકાય જાય છે. ખડગેના જવાબમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ખડગે જી, આ તમારા સ્તરની વાત નથી. સંસદના વિશેષ સત્રમાં વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, નેહરુજી માનતા હતા કે જાે મજબૂત વિપક્ષ ન હોય તો તે યોગ્ય નથી. હવે સામે જાેરદાર વિપક્ષ છે તો તપાસ એજન્સીઓ દ્વારા તેને નબળો પાડવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ખડગેએ કહ્યું કે, અમને વારંવાર પૂછવામાં આવે છે કે અમે ૭૦ વર્ષમાં શું કર્યું? અમે ૭૦ વર્ષમાં આ દેશની લોકશાહીને મજબૂત કરી છે. દેશનો પાયો નહેરુના સમયમાં નખાયો હતો. પાયાના પથ્થરો દેખાતા નથી. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના નામ પર ભાજપ પર પ્રહાર કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, નડ્ડા સાહેબ અમને નીચા કરવા માટે ગઠબંધનનું નામ ઈન્ડિ કહે છે. તેમણે કહ્યું કે, નામ બદલવાથી કંઈ થતું નથી, આપણે ઈન્ડિયા છીએ.