રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આ ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. ભાજપ માટે સ્થાનિક નેતાઓની સાથે-સાથે રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે અને રાજસ્થાનની ગેહલોત સરકારને ઘેરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી સીએમ અશોક ગેહલોતની સાથે કોંગ્રેસના ટોચના નેતાઓ અને રાજ્ય સ્તરના નેતાઓ રાજ્યમાં કોંગ્રેસ સરકારને રિપીટ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. એવા સમયે જ્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલુ છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ૩ દિવસ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરશે. તેઓ આવતીકાલથી એટલે કે ૧૭થી ૧૯ સપ્ટેમ્બર સુધી રાજસ્થાનની મુલાકાતે જઈ રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજસ્થાનના કોટામાં ચૂંટણીનો પ્રચાર કરશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ ૧૭, ૧૮ અને ૧૯ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ રાજસ્થાનમાં ચૂંટણી માટે પ્રચાર કરશે. આ દરમિયાન તેઓ કોટા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી કાર્યક્રમોમાં ભાગ લેશે અને પ્રદેશ ભાજપની રેલીઓમાં સામેલ થશે. આપને જણાવી દઈએ કે, આ પહેલા ગુજરાત ભાજપના ૫૦થી વધુ નેતાઓ અને ધારાસભ્યો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે જઈ ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના ભાજપના ધારાસભ્યોને પણ દેશના ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવાની સૂચના આપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. નીતિન પટેલને રાજસ્થાનના સહ ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. વિધાનસભામાં કોંગ્રેસના ૧૦૮ ધારાસભ્યો
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ૭ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસને ૧૦૮ સીટો મળી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીને ૭૦ સીટો મળી હતી. જે બાદ અશોક ગેહલોતને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
