Closing bell: બુધવારે (7 ઓગસ્ટ) ભારતીય શેરબજારોની મજબૂત શરૂઆત થઈ છે. આજે દિવસભર બજારમાં હરિયાળી જોવા મળી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટ્સ અને નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે 874 પોઈન્ટના ઉછાળા સાથે 79,468 પર અને નિફ્ટી પણ 304 પોઈન્ટ વધીને 24,279ની સપાટીએ બંધ રહ્યો હતો.
ઓપનિંગમાં સેન્સેક્સ 972 પોઈન્ટ વધીને 79,565 પર પહોંચ્યો હતો. નિફ્ટી 297 પોઈન્ટ વધીને 24,289 પર અને બેન્ક નિફ્ટી 538 પોઈન્ટ વધીને 50,286 પર ખુલ્યો હતો. આઇટી ઇન્ડેક્સ 2% વધ્યો હતો. આઇટી શેર્સમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. આ સિવાય NBFC અને સરકારી શેર પણ મજબૂત ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ટેક્સટાઇલ કંપનીઓના શેરમાં વધારો.
રાજકીય અસ્થિરતાને કારણે બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગમાં સંકટ વધુ ઘેરી બની શકે છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભારત જેવા બજારો તરફ વળી શકે છે. આ શક્યતાને કારણે ભારતીય ટેક્સટાઈલ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એસપી એપેરલના શેર આજે 10%થી વધુ વધ્યા છે. અગાઉ ગઈકાલે પણ તેના શેરમાં 20%નો વધારો થયો હતો.
આ 10 શેર રોકેટ બની ગયા.
શેરબજારમાં ઉછાળા વચ્ચે, બુધવારે સૌથી વધુ ઉછાળો જોવાયો હતો તેવા 10 શેરોમાં, M&M શેર 2.23%, Infy 2.19%, HCL Tech 2% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય અદાણી પોર્ટના શેરમાં 1.55% અને ટાટા સ્ટીલમાં 1.50%નો વધારો જોવા મળ્યો હતો.
મિડકેપ કંપનીઓમાં ઓઈલ ઈન્ડિયા શેર 6.89%, લ્યુપિન શેર 4.30% ઉછળ્યો. સ્મોલ કેપ કંપનીઓના શેરની વાત કરીએ તો, મુફ્તી શેર 10.25%ના મજબૂત ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, SPAL શેર 8.96%ના વધારા સાથે અને IFB ઈન્ડિયા શેર 7.57%ના મજબૂત વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ પહેલા ગઈકાલે એટલે કે 6 ઓગસ્ટે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 166 પોઈન્ટ (0.21%) ઘટીને 78,593 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 63 પોઈન્ટ (0.26%) ઘટ્યો હતો. 23,992ના સ્તરે બંધ રહ્યો હતો.
									 
					