વડોદરાનાં સાવલીનાં સામંતપુરા ગામમાં કરોડોની જમીન કૌભાંડ મામલે ખુલાસો થવા પામ્યો છે. ત્યારે બોગસ ખેડૂત ખાતેદારો બની જમીન પચાવી પાડવાની ઘટનાં સામે આવી છે. જેમાં ૮ જેટલી વિધવા મહિલાઓની જમીનોમાં અજાણ્યા ઈસમોનાં નામ દાખલ થયા છે. ત્યારે મરણનો ખોટો દાખલો અને બોગસ પેઢીનામું બનાવી મિલકતમાં નામ દાખલ કરી દીધું હતું. ભોગ બનનાર વિધવા મહિલા ખેડૂતોએ સાવલી ધારાસભ્ય કેતન ઈનામદારને રજૂઆત કરી હતી.
ધારાસભ્ય કેતન ઈનામદાર મહિલા ખેડૂતોને સાવલી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. સાવલી પોલીસ સ્ટેશનમાં ભૂમાફિયા અને સરકારી અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ધારાસભ્ય કેતન ઈનામદારનો સાવલી રેવન્યુ વિભાગનાં કર્મચારી અધિકારી પર આક્ષેપ કર્યો હતો. જમીન પચાવી પાડવામાં મોટા માથાઓની સંડોવણીનાં આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્ય કેતન ઈનામદાર રજૂઆત કરશે.
આ બાબતે સામંતપુરા ગામનાં સરપંચ ભરતભાઈએ જણાવ્યું હતું કે મારા ગામની વિધવા બહેનોની ૪૦ થી ૪૫ વીઘા જમીનમાં કેટલાક શખ્શો દ્વારા ખોટા મરણનાં દાખલા તેમજ ખોટા પેઢીનામાં રજૂ કરીને તેમજ ખોટા નામો દાખલ કરી વારસદારો બનેલા છે. જે અંગેની જાણ વિધવા મહિલાઓને થતા તેઓએ મને જાણ કરી હતી. જે બાદ અમે સાવલી પોલીસ સ્ટેશને ગયા હતા. પરંતું પોલીસ દ્વારા કોઈ કાર્યવાહિ કરવામાં આવતી ન હતી. જે બાદ આજે અમે અમારા વિસ્તારનાં ધારાસભ્ય કેતનભાઈને રજૂઆત કરી અને ધારાસભ્ય પોતે સાવલી પોલીસ મથકે આવ્યા અને અમારી અરજીઓ પોલીસ મથકમાં અપાવી અને અમને ખાત્રી આપી છે.