શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા ટ્રાફિક નિયમન જળવાય તેવા આશયથી સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.બેઠકમાં પોલીસ કમિશનરએ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ટ્રાફિક સિગ્નલો સત્વરે લગાડવા તેમજ ચાલુ સિગ્નલોની મરામત કરવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત બી.આર.ટી.એસ. કોરિડોરમાં ભયજનક રીતે વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓને જણાવ્યું હતું કે, કોઈ પણ સમયે પોલીસ બંદોબસ્ત જરૂર પડે ત્યારે ડી.સી.પી. મારફતે પો.કમિશનર કચેરીને અરજી કરવાથી સત્વરે બંદોબસ્ત મળી જશે. ખાસ કરીને સાંજના સમયે બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરીને વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરવા જણાવ્યું હતું.બેઠકમાં રખડતા ઢોર બાબતે મહાનગરપાલિકા દ્વારા જુન-જુલાઈ માસ દરમિયાન ૫૪૯ પશુઓને પકડી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે,
તેમજ રૂ.૮ થી ૯ લાખ જેટલા દંડની પણ વસુલાત કરવામાં આવી હોવાની વિગતો પાલિકાના અધિકારીએ આપી હતી. આ ઉપરાંત ખાડી રોડ પર સાઈન બોર્ડ લગાવવા, ઝિબ્રા ક્રોસિગ, સ્ટોપ લાઈન તથા રબ સ્ટ્રીપ બનાવવાની કામગીરી સમયસર થાય, હજીરાથી ભાટિયા ટોલનાકા સુધી સ્પીડ લિમિટના બોર્ડ લગાવવા બાબતે જે તે વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.
છેલ્લા ત્રણ મહિના દરમિયાન ટ્રાફિક શાખા દ્વારા ઓવર સ્પીડના ૪૦૨૧ કેસો, સ્પીડ ગનના ૮૦૦૦ તથા રોગ સાઈડના ૧૨૦ કેસો કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. ડુમસ રોડ પર મહાનગરપાલિકાના દ્વારા આપવામાં આવેલ પે એન્ડ પાર્કિગના બોર્ડ મૂકવા, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ટ્રાફિક નિયમન સ્પર્ધાઓ-કાર્યક્રમો યોજવા ઉપરાંત એસ.વી.એન.આઈ.ટી.ના વિદ્યાર્થીઓ સાથે રહીને શહેરમાં પાર્કિગ માટેની એપ બનાવવાની ચર્ચા થઈ હતી.
નવી આર.ટી.ઓમાં ૨૩૫ જેટલા વાહનચાલકોને લાયસન્સ સસ્પેન્ડ કરવાની નોટીસો પાઠવવામાં આવી હોવાની વિગતો આપી હતી. શનિ-રવિવારના દિવસો દરમિયાન ડુમસ રોડ પર ખાણી-પીણીની લારીઓના કારણે થતી ટ્રાફિક સમસ્યાની સ્થિતિ નિવારવા માટે પાલિકાના અધિકારીઓ સાથે રહીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.બેઠકમાં જાેઈન્ટ પો.કમિશનર એચ.આર.ચૌધરી, નાયબ પોલીસ કમિશનર(ટ્રાફિક) અમિતા વાનાણી, ઈ.પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આકાશ પટેલ, હાઈવે ઓથોરિટી, એસ.ટી., માહિતી વિભાગ, મહાનગરપાલિકાના વિવિધ ઝોનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.