દિલ્હીના રોહિણી સેક્ટર ૮માં મકાનમાં ચોરી કરવા ગયેલી ગેંગને ચોરી કરવા જેવી કઈ કિંમતી વસ્તુ ન મળતા તેઓ રૂ. ૫૦૦ની નોટ મૂકીને ચાલ્યા ગયા હતા. જ્યારે મકાનમાલિક પાછો ફર્યો તો તેણે ઉત્તર રોહિણી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે ઉત્તર રોહિણી પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે રોહિણી સેક્ટર ૮માં એક ઘરમાં ચોરી થઈ છે. વૃદ્ધે પોલીસને જણાવ્યું કે, તેઓ તેમની પત્ની સાથે ગુરુગ્રામમાં રહેતા તેમના પુત્ર પાસે ગયા હતા. શુક્રવારે સવારે પાડોશીએ તેમને ફોન કરીને કહ્યું કે ઘરમાં ચોરી થઈ છે.
જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો તેમણે જાેયું કે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. અંદરથી કંઈ ચોરાયું ન હતું. પરંતુ તેને દરવાજા પાસે ૫૦૦ની નોટ પડેલી મળી હતી. હવે પોલીસ માની રહી છે કે, આ નોટ ચોરવા આવેલા લોકો ત્યાં મૂકીને ચાલ્યા ગયા હતા. હાલમાં પોલીસ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજને સ્કેન કરીને તેમના ઘર તરફ કોણ આવ્યું હતું તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. ગત મહિને પણ શાહદરા વિસ્તારમાં આવી ઘટના સામે આવી હતી. જ્યાં લૂંટારુઓએ દંપતીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેઓને પૈસા ન મળતા તેઓ તેમને સો રૂપિયાની નોટ આપીને ચાલ્યા ગયા હતા.