ઋતિક રોશને વર્ષ ૨૦૦૦માં પોતાની પહેલી જ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ ૪૪ કરોડ રૂપિયાની કમાણી સાથે બ્લોકબસ્ટર રહી હતી. પોતાની ડેબ્યૂ ફિલ્મથી રાતોરાત સ્ટાર બનેલા ઋતિક રોશનની કિસ્મત પલ્ટી મારી ગઇ છે. ઋતિક રોશનની ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ વિક્રમ વેધા પણ બોક્સ ઓફિસ પર ઉંધે માથે પટકાઇ હતી. ૧૫૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ફક્ત ૯૩ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ હવે ઋતિક રોશન કામ માટે ફાંફા મારી રહ્યો છે. પાછલા કેટલાંક સમયથી તેની કોઇપણ અપકમિંગ ફિલ્મની અનાઉન્સમેન્ટ થઇ નથી. પહેલી જ ફિલ્મથી મચાવ્યો તહેલકોઃ ઋતિક રોશને પોતાની પહેલી જ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ સુપરહિટ થયા બાદ ઋતિક રોશને અન્ય બે બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી. ૨૦૦૦માં જ રિલીઝ થયેલી ફિલ્મ ફિઝાએ પણ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યુ હતું અને ૧૪ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
તે બાદ આ વર્ષે જ રિલીઝ થયેલી ફિલ્મ ‘મિશન કશ્મીર’ પણ હિટ રહી હતી. વર્ષ ૨૦૦૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘યાદે’ ઋતિક રોશનના કરિયરની પહેલી ફ્લોપ ફિલ્મ સાબિત થઇ. થોડા જ દિવસો બાદ રિલીઝ થયેલી ઋતિક રોશનની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’એ કમાણીના મામલે ઘણા રેકોર્ડ તોડી નાંખ્યા હતાં. આ ફિલ્મ ૫૫ કરોડ રૂપિયાની કમાણી સાથે બ્લોકબસ્ટર રહી હતી. ઋતિક રોશનની અત્યાર સુધી ૨૫ ફિલ્મોમાંથી ૯ ફિલ્મો ફ્લોપ રહી. ઋતિકના નામે જ છે બોલિવૂડની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મઃ વર્ષ ૨૦૧૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાઇટ્સ’એ ઋતિકના કરિયર પર એક ડાઘ લગાવી દીધો. ડાયરેક્ટર અનુરાગ બાસુની આ ફિલ્મ ૮૨ કરોડ રૂપિયાના મોટા બજેટમાં બનાવવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યુ હતું. ફિલ્મની કમાણી ૪૭ કરોડ સુધી માંડ પહોંચી હતી. આ ઉપરાંત તે બોલિવૂડની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મોની લિસ્ટમાં સામેલ થઇ ગઇ. હવે ઋતિક રોશનનું કરિયર પણ ફ્લોપ ફિલ્મોનું શિકાર બની ગયું છે.