સુપ્રીમ કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં મળેલા શિવલિંગ જેવી રચનાના એએસઆઈ સર્વેક્ષણની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી ન કરવા પાછળનું કારણ આપતા જણાવ્યું કે, નીચલી અદાલતમાં હજુ સુનાવણી શરુ છે, તો પીઆઈએલ પર સુનાવણી કરવાથી કોઈ ફાયદો નથી. આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે અરજીને ફગાવતા કારણ આપ્યું હતું કે મામલો નીચલી કોર્ટમાં પેન્ડિંગ છે.
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ મામલે મંદિર પક્ષે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરીને જ્ઞાનવાપીના સીલ કરેલા વિસ્તારના એએસઆઈ સર્વેની માંગણી કરી હતી. ઉપરાંત પરિસરમાં મળી આવેલા શિવલિંગ જેવી રચના પર પણ એએસઆઈ સર્વે કરાવવાની માંગણી કરી હતી. જાેકે આ મામલે હજુ મૂળ કેસ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પેન્ડિંગ છે.
વર્ષ ૨૦૨૧ના ઓગસ્ટ મહિનામાં પણ દિલ્હીની પાંચ મહિલાઓએ બનારસની અદાલતમાં દાવો કર્યો કે જ્ઞાનવાપી મસ્જિદમાં શ્રુંગાર ગૌરી સહિતના વિવિધ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિના અવશેષો છે. અહીં હિન્દુઓને પૂજા-અર્ચનાની મંજૂરી આપવામાં આવે અને આ મૂર્તિઓને નુકસાન ન થાય તેની તકેદારી લેવામાં આવે. ૧૯૯૧ અને ૨૦૨૧માં થયેલી બંને અરજી જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાતી ઈમારત મૂળભૂત રીતે હિન્દુ મંદિર હોવાનો દાવો કરે છે અને તેનાં સમર્થનમાં કેટલાંક પુરાતત્વીય અને ઐતિહાસિક પૂરાવાઓ પણ રજૂ કર્યા છે.