વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત થનાર બ્રજમંડળ યાત્રાની તૈયારીઓને મોટો ફટકો પડ્યો છે. હરિયાણાના નૂહ પ્રશાસન તરફથી આ ધાર્મિક યાત્રાને યોજવાની પરવાનગી મળી નથી. પોલીસે જણાવ્યું હતું કે સત્તાધીશોએ હરિયાણાના નૂહમાં ૨૮ ઓગસ્ટે વિહિપની બ્રજમંડળ જલાભિષેક યાત્રાનું આયોજન કરવાની પરવાનગી આપી નથી. ૩૧ જુલાઈના રોજ સાંપ્રદાયિક હિંસા બાદ આ યાત્રા અટવાઈ ગઇ હતી. નૂહ જિલ્લાના વહીવટીતંત્રએ યાત્રાના આયોજકો દ્વારા આપવામાં આવેલી પરવાનગી માટેની અરજીને ફગાવી દીધી હતી. ૧૩ ઓગસ્ટના રોજ પલવલના પોંડરી ગામમાં હિંદુ સંગઠનોની ‘મહાપંચાયત’ના એક સપ્તાહ બાદ આ ર્નિણય લેવાયો હતો, જેમાં નૂહના નલહર મંદિરથી વિહિપની ધાર્મિક યાત્રા ફરી શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
નૂહના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ નરેન્દ્ર બિજારનિયાએ પુષ્ટિ કરી હતી કે યાત્રા આયોજિત કરવાની પરવાનગી માંગતી અરજી ફગાવી દેવામાં આવી છે. આ મામલે સ્થાનિક વીએચપીનેતા દેવેન્દ્ર સિંહે કહ્યું કે મને પરવાનગી નકારાઈ હોવાની કોઈ જાણકારી નથી. તેની સાથે જ તેમણે કહ્યું કે ધાર્મિક યાત્રા માટે કોઈ પરવાનગીની જરૂર નથી.નૂહ હિંસાના ૧૫ દિવસ બાદ ૧૩ ઓગસ્ટે પલવલમાં મહાપંચાયત યોજાઈ હતી. જેમાં ૨૮ ઓગસ્ટના રોજ ફરી નૂહમાં બ્રજમંડળ યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. મહાપંચાયતમાં અનેક માંગણીઓ મુકવામાં આવી હતી. તેમાં દ્ગૈંછ દ્વારા હિંસાની તપાસ કરાવવી અને નૂહને ગૌહત્યા મુક્ત જિલ્લો જાહેર કરવાનો સમાવેશ થાય છે. પલવલ, ગુરુગ્રામ અને અન્ય નજીકના સ્થળોએથી લોકોએ આ ‘સર્વ જાતીય મહાપંચાયત’માં ભાગ લીધો હતો અને નક્કી કરવામાં આવ્યું હતું કે યાત્રા નૂહના નલહરથી શરૂ થશે અને જિલ્લાના ફિરોઝપુર ઝિરકાના ઝિર અને શિંગાર મંદિરોમાંથી પસાર થશે. આ એ જ રૂટ છે જ્યાંથી ૩૧ જુલાઈના રોજ સરઘસ નીકળ્યું હતું અને હિંસા ફેલાઈ હતી.