UPS
Universal Pension Scheme: ભારતમાં સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે, મોદી સરકાર એક નવા અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેને યુનિવર્સલ પેન્શન યોજના કહેવામાં આવી રહી છે. આ પેન્શન યોજના તમામ નાગરિકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી રહી છે, જેમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો, ઉદ્યોગપતિઓ, સ્વરોજગાર વ્યક્તિઓ અને 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનો સમાવેશ થશે.
યુનિવર્સલ પેન્શન યોજના એક સ્વૈચ્છિક યોજના હશે અને કોઈપણ વ્યક્તિ તેમાં યોગદાન આપી શકે છે, જે તેમને 60 વર્ષની ઉંમર પછી પેન્શન આપશે. આ યોજના રોજગાર સાથે સંબંધિત નહીં હોય, તેથી દરેક વ્યક્તિ તેનો લાભ લઈ શકશે. હાલમાં, અસંગઠિત ક્ષેત્રના કામદારોને સરકારી બચત યોજનાઓનો લાભ મળતો નથી. આ યોજનાથી તેમને સામાજિક સુરક્ષા પણ મળશે.
આ ઉપરાંત, સરકાર આ નવા માળખામાં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM-SYM), રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) અને અટલ પેન્શન યોજના જેવી હાલની યોજનાઓનો સમાવેશ કરવાનું વિચારી રહી છે. હાલમાં, આ યોજનાઓ ૫૫ થી ૨૦૦ રૂપિયાના યોગદાન પર ૩,૦૦૦ રૂપિયાનું માસિક પેન્શન પૂરું પાડે છે, જેમાં સરકાર પણ ફાળો આપે છે.
સૌથી મહત્વની વાત એ છે કે કેન્દ્ર સરકાર રાજ્યોને પણ તેમની પેન્શન યોજનાઓને આ યોજનામાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે, જેથી સરકારી યોગદાનનું સમાન વિતરણ થઈ શકે અને પેન્શનની રકમ વધી શકે.