Bank
દેશભરની બૅન્કો માર્ચ મહિનાના આ બે દિવસે બંધ રહી શકે છે. ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશનની સરકાર સાથે નિષ્ફળ બેઠક બાદ બૅન્કના કર્મચારીઓએ દેશવ્યાપી 24 અને 25 માર્ચ, 2025ના રોજ હડતાળ પાડવાનું એલાન કર્યું છે. જેના પગલે આગામી સોમવાર અને મંગળવારે બૅન્કો બંધ રહેશે. દેશભરના ટોચના નવ બૅન્કિંગ યુનિયન્સનું નેતૃત્વ કરતાં યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સે આ હડતાળની જાહેરાત કરી છે.
પાંચ દિવસ કામની માગ
બૅન્કિંગ યુનિયનની તમામ માગ પૈકી સૌથી મહત્ત્વની માગ કામના દિવસ પાંચ કરવાની છે. હાલ સપ્તાહમાં છ દિવસ કામ કરવું ફરિજ્યાત છે. જેનાથી બૅન્કના કર્મચારીઓમાં કામનું પ્રેશર વધુ હોવાનો દાવો કરતાં બૅન્કિંગ યુનિયને કામના દિવસ ઘટાડી પાંચ કરવાની માગ કરી છે. તદુપરાંત બૅન્કોમાં સ્ટાફની અછત પણ સૌથી મોટો મુદ્દો છે. સ્ટાફની અછતના કારણે બૅન્કમાં કામનું પ્રેશર વધે છે અને તેનાથી કર્મચારીની કામની ગુણવત્તા પર અસર થાય છે.
બૅન્કિંગ યુનિયને જણાવ્યું હતું કે, બૅન્કોમાં નોકરીની સુરક્ષા, પર્ફોર્મન્સના આધારે પ્રોત્સાહનોનો અમે વિરોધ કરીએ છીએ. કારણકે, તે કર્મચારીઓમાં બિનજરૂરી તણાવ ઉભો કરે છે. વધુમાં અમે ગ્રાહકો દ્વારા થતાં શોષણ અને હુમલા વિરુદ્ધ બૅન્ક સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગ પણ કરી છે. જે આજકાલ બૅન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં વધી રહી છે.
બૅન્ક યુનિયન કેન્દ્ર સરકારના આઈડીબીઆઈ બૅન્કમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાનો પણ વિરોધ કરી રહ્યું છે. તેમણે સરકારને આઈડીબીઆઈ બૅન્કમાં ઓછામાં ઓછો 51 ટકા હિસ્સો જાળવી રાખવાની માગ કરી છે. જ્યારે કેન્દ્ર સરકાર અને એલઆઇસી સાથે મળી આઇડીબીઆઇ બૅન્કનો 61 ટકા હિસ્સો વેચી દેવાની જોગવાઈ ધરાવે છે. આ ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા આગામી ત્રણ-ચાર મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે. વધુમાં સરકારની નીતિઓ સરકારી બૅન્કોને નબળી બનાવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.