Automobile
દેશના શેરબજારમાં મંદીની અસર વાહનોના વેચાણ પર પણ જોવા મળી રહી હોવાનું વાહન ઉદ્યોગના સુત્રો જણાવી રહ્યા છે. ગયા વર્ષના ઓકટોબરથી દેશના શેરબજારોમાં સતત ઘટાડાને કારણે વાહનોની રિટેલ માગ નબળી પડી છે. રોકાણકારોની શેરબજાર મારફતની આવક ઘટી જતા બિનજરૂરી ખર્ચા અને ખરીદી પર કાપ મુકાઈ રહ્યો છે. જો કે હોળી, ધુળેટી, ગુડી પડવા જેવા તહેવારોની મોસમમાં માગ વધવા અપેક્ષા રાખવામાં આવી રહી છે.
માગમાં ઘટાડાને પરિણામે વિતેલા ફેબ્રુઆરીમાં દેશમાં ઓટો રિટેલ વેચાણમાં સાત ટકા ઘટાડો નોંધાયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (ફાડા)ના ડેટા પ્રમાણે ગયા વર્ષના ફેબ્રુઆરીમાં દરેક પ્રકારના વાહનોનું મળીને એકંદર રિટેલ વેચાણ ૨૦,૪૬,૩૨૮ એકમ રહ્યું હતું જે વર્તમાન વર્ષના ફેબ્રુઆરીમાં ૧૮,૯૯,૧૯૬ એકમ રહ્યું છે. આમ ૭ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ગત મહિને દરેક પ્રકારના વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે એમ ફાડાના પ્રમુખ સી. એસ. વિઘ્નેશ્વરે એક નિવેદનમાં જણાવ્યું હતું. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં પણ વેચાણ ૮.૪૪ ટકા ઘટીને ૧,૨૬,૩૨૯ યુનિટ રહ્યું છે.
ફેબ્રુઆરીમાં ડીલરોની મંજુરી વગર તેમના ડેપોમાં ઈન્વેન્ટરી ઊભી કરી દેવાઈ હતી એમ તેમણે ઉમેર્યું હતું. આ એક વેપાર હેતુ હોઈ શકે પરંતુ હોલસેલ રવાનગી ખરેખર માગ પ્રમાણે થવી જરૂરી છે જેથી ડીલરો પર ભાર અટકાવી શકાય અને તેમને ઈન્વેન્ટરીનું સંચાલન કરવાનું સરળ રહે.
ઊતારૂ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે ૧૦ ટકા ઘટી ૩,૦૩,૩૯૮ એકમ રહ્યું છે. ઊતારૂ વાહનોનું ઈન્વેન્ટરી સ્તર ૫૦થી ૫૨ દિવસની રેન્જમાં રહ્યું હતું.
ટુ વ્હીલર્સનું વેચાણ ૬.૩૩ ટકા ઘટી ૧૩,૫૩,૨૮૦ એકમ રહ્યું હતું જે ગયા વર્ષના ફેબ્રુઆરીમાં ૧૪,૪૪,૬૭૪ રહ્યું હોવાનું ફાડાના ડેટા જણાવે છે. લોનની મર્યાદિત ઉપલબ્ધતા, વાહનોની ખરીદી માટે નીચી પૂછપરછ તથા નબળા કન્ઝયૂમર માનસ વાહનોના વેચાણમાં ઘટાડા માટે કારણભૂત રહ્યા છે.
ગ્રામ્ય બજાર કરતા શહેરી વિસ્તારમાં વેચાણ પર વધુ અસર જોવા મળી છે. ગ્રામ્ય બજારમાં વેચાણમાં ૫.૫૦ ટકા જ્યારે શહેરી વિસ્તારમાં ૭.૩૮ ટકા ઘટાડો નોંધાયો છે.
કમર્સિઅલ વાહનોનું રિટેલ વેચાણ ૯ ટકા ઘટી ૮૨૭૬૩ એકમ રહ્યું હતું. પરિવહન ક્ષેત્ર તરફથી નીચી માગને કારણે કમર્સિઅલ વાહનોના રિટેલ વેચાણમાં નરમાઈ જોવા મળી છે. ટ્રેકટર્સનું વેચાણ ૧૪.૫૦ ટકા ઘટી ૬૫૫૭૪ એકમ રહ્યું છે.
માર્ચમાં રિટેલ વેચાણ માટે ડીલરો સાવચેતીભર્યો આશાવાદ ધરાવી રહ્યા હોવાનું ફાડાએ જણાવ્યું હતું. દેશના શેરબજારોમાં સતત મંદીએ ગ્રાહકોનું માનસ ખરડાવ્યું છે અને નવા વાહનો ખરીદવા ઈચ્છતાઓએ હાલમાં થોભો અને રાહ જુઓ નીતિ અપનાવી છે.
આવી રહેલા હોળી, ધુળેટી, ગુડી પડવા તથા ચૈત્રી નવરાત્રિના તહેવારોમાં વાહનોના વેચાણમાં વધારો જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી